નવી દિલ્હીઃ અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ ગણાવ્યા છે. પર્સન ઓફ ધ યરની રેસમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી રીડર્સ પોલમાં ટોચનાં સ્થાને હતા. જોકે ભૂતકાળમાં બન્યું છે તેમ આ વખતે પણ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વિજેતા થયેલા ઉમેદવાર જ પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. બીજી તરફ, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી હારી જનારાં હિલેરી ક્લિન્ટન એકાએક આ યાદીમાં બીજા સ્થાને પહોંચી જતાં રનર-અપ જાહેર થયા છે. અમેરિકામાં ૧૯૨૭માં ટાઇમ મેગેઝિનનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં એકમાત્ર ભારતીય ગાંધીજીને ૧૯૩૦માં આ ખિતાબથી સન્માનિત કરાયા હતા. ૧૯૯૯માં આ ખિતાબનું નામ મેન ઓફ ધ યરથી બદલીને પર્સન ઓફ ધ યર કરવામાં આવ્યું.
ટ્રમ્પ માટે ખૂબ મોટી સિદ્ધિઃ ટાઇમ
ડોનાલ્ડ ટ્રમ્પની આ સન્માન માટે પસંદગી કરતાં ‘ટાઇમ’એ જણાવ્યું હતું કે, એક એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ વ્યક્તિ અને અત્યંત જાણીતા ઉમેદવાર તરીકે અભિયાન ચલાવનારા ૭૦ વર્ષના ટ્રમ્પ અમેરિકાના ૪૫મા પ્રમુખ ચૂંટાયા તે ખૂબ જ મોટી સિદ્ધિ છે. તેમણે પોતાનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ટ્રમ્પ માટે મેગેઝિને પ્રેસિડેન્ટ ઓફ ડિવાઇડેડ સ્ટેટ ઓફ અમેરિકા એવું ટાઇટલ લખ્યું છે, તેનો અર્થ એ છે કે, આ વખતે અમેરિકા ચૂંટણી દરમિયાન બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. ઓર્થોડોક્સ માનસિકતાવાળાં લોકોએ ટ્રમ્પને પસંદ કર્યા હતા જ્યારે યુવા મતદારોએ હિલેરીને પસંદ કર્યા હતા.
ઘણી વખત રીડર્સ પોલના પરિણામો પલટાયાં
રીડર્સ પોલ દ્વારા જે લોકોને મત અપાય છે તેમાંથી વિજેતા નક્કી કરવા માટે એડિટર્સ દ્વારા એક પેનલ રચવામાં આવે છે, આ પેનલ અંતિમ નિર્ણય જાહેર કરે છે. અત્યાર સુધી ઘણી વખત એવું થયું છે કે, રીડર્સ પોલ દ્વારા જાહેર કરાયેલાં લોકોને એડિટર્સે ફગાવી દીધા હોય. પસંદગી પામનાર લોકોના સારા કે ખોટા કામને કારણે સર્જાયેલા માહોલ અને ચર્ચાને વધારે ધ્યાન પર લેવામાં આવે છે.
૨૦૦૬ની જ વાત કરીએ તો વેનેઝુએલાના પ્રમુખ હ્યુગો શોવેઝ ઓનલાઇન પોલમાં ટોચના સ્થાને હતા. એડિટર્સ પેનલે આ એવોર્ડ અન્ય વ્યક્તિને જાહેર કર્યો હતો. તે પહેલાં ૧૯૯૮માં રેસલર મિલ પોલીને લોકોએ ટોચનું સ્થાન આપ્યું હતું.