લંડનઃ એક વ્યક્તિ માટે નકામી હોય તે અન્ય માટે ખજાનો હોઈ શકે તેવી કહેવત ફ્રેન્ચ કોમ્પ્યુટર એન્ટ્રેપ્રેન્યોર એરિક બેકરે સાચી પાડી છે. બેકરે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ને અનુસરી વેસ્ટ આફ્રિકાના આઈવરી કોસ્ટથી થોડા અંતરે આબિદ્જાન નજીક અદ્ભૂત કહેવાય તેવો ‘L’île Flottante' — Floating Island’ તરતો ટાપુ રચી આશ્ચર્ય સર્જ્યું છે. પ્લાસ્ટિકની ૭૦૦,૦૦૦ બોટલ્સ અને અન્ય વેસ્ટમાંથી સર્જાયેલો આ ટાપુ ‘ગ્રીન ટુરિઝમ’ને ઉત્તેજન આપશે. બેકરે આબિદ્જાન ટાપુમાં રસ્તે ફેંકાયેલી પ્લાસ્ટિક બોટલ્સ પણ એકત્ર કરી હતી. સ્થાનિક કસ્ટમર્સ, ઈકો-ટુરિસ્ટ્સને આકર્ષતા ટાપુમાંથી પ્રેરણા મેળવી અન્યત્ર પણ આવા ટાપુઓ રચાય તો નવાઈ ન પામશો.
આ તરતાં સ્વર્ગમાં વિશાળ ઝૂંપડી જેવાં બે બંગલા, રેસ્ટોરાં, કરાઓકે બાર અને બે સ્વીમિંગ પૂલ્સ ઉપરાંત વિવિધ પ્રકારના વૃક્ષો અને ફુલછોડ સાથેની હોટેલ છે. દર સપ્તાહે ૧૦૦થી પ્રવાસીઓ તેની રોમાંચક મુલાકાતે પહોંચે છે. મુલાકાતીઓને ટાપુઓની મુલાકાતે લઈ જવાય છે, જેની એક દિવસની ભોજન સહિતની ફી ૧૯ પાઉન્ડ છે. જો ત્યાં રાત્રિરોકાણ કરવું હોય તો વ્યક્તિએ ૭૭ પાઉન્ડ ચૂકવવા પડે છે. ૧૦૦૦ સ્ક્વેર મીટરના આ તરતા સ્વર્ગના કેન્દ્રમાં છે વોક-વે (પગદંડી). આ ટાપુને વિવિધ સ્થળોએ ખસેડી શકાતો હોવાં છતાં, તેનું વર્તમાન લંગર રખાયું છે ત્યાં નજીકના તટેથી પીવાનું પાણી લાવી શકાય તેવી પાઈપ નંખાઈ છે. વીજળી માટે સોલાર પેનલ્સ અને બેકઅપ જનરેટરની વ્યવસ્થા છે. અત્યારે આ ટાપુનું વજન ૨૦૦ ટન છે અને છીછરા જળમાં તે તરી શકે છે.
આ ટાપુ પર મૂળ તો બેકરનું ઘર હતું, જેનું ફ્લોટિંગ આઈલેન્ડમાં રૂપાંતર કરાયું છે. બેકર પ્રકૃતિપ્રેમી છે. તેને પહેલાં તો નકામા કચરામાંથી તરાપો બનાવવાનો વિચાર આવ્યો હતો. આ દરમિયાન તેણે આબિદ્જાનમાં આ દલદલ જેવી ખાડી જોઈ અને તેણે તરતો ટાપુ બનાવવાનું નક્કી કરી લીધું. દિમાગી તુક્કાને નક્કર હકીકતમાં બદલવા માટે જંગી રકમની જરૂર હતી. પોતાનું સ્વપ્ન સાકાર કરવા તેણે પોતાની પાસે જે કાંઈ હતું તે બધું જ વેંચી નાંખ્યું. એટલું જ નહીં, તેણે જાહેર માર્ગો પર ફેંકાયેલી પ્લાસ્ટિક બોટલ્સ, સેન્ડલ્સ સહિતનો પ્લાસ્ટિકનો અન્ય કચરો, જે હાથમાં આવ્યું તે બધું એકત્ર કરવાનું શરૂ કર્યું. તેણે લોકો પાસેથી પણ મોટી સંખ્યામાં બોટલ્સ મેળવી.
સ્થાનિક લોકો તેને ‘Mr. Bidon’ના હુલામણા નામે ઓળખવા લાગ્યા. આ શબ્દનો એક અર્થ જેરીકેન - નકામો કચરો પણ થાય છે. આ પછી તેણે પાણીમાં તરતા પ્લાસ્ટિક વેસ્ટ પર નજર નાખી. બસ, તે દિવસની ઘડી ને આજનો દી’. પોતાનું સપનું સાકાર થઇ ગયા છતાં આજેય તેઓ શહેરમાં પ્લાસ્ટિક એકત્ર કરતા દેખાય છે.
બેકર પરંપરાગત હોટેલ્સની સરખામણીએ આ ટાપુને પર્યાવરણની દૃષ્ટિએ ‘ગ્રીન’ ગણાવતા હોવાં છતાં, ખુશ નથી કારણ કે તેની પણ સમસ્યા છે. અત્યારે મુલાકાતીઓના મળમૂત્રને લગૂનમાં જ ફેંકવામાં આવે છે. આથી બેકર હવે માનવ-કચરાને રિસાયકલ કરી તેનો ઉપયોગ ફૂલછોડના ખાતર તરીકે કરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે, ‘આ ખ્યાલની સારી બાબત એ છે કે આપણે પ્લાસ્ટિક બોટલના પ્રદુષણ જેવી નકારાત્મક સ્થિતિને સકારાત્મક બનાવવા તરફ આગળ વધી શકીએ છીએ. આવા કચરા આધારિત અને પ્રદુષણમુક્ત ટાપુઓનો ઉપયોગ લોકોનાં વસવાટ તેમજ માછીમારી માટે કરી શકાય તેમ છે.’
મુલાકાતીઓનું કહેવું છે કે લોકો માત્ર પર્યાવરણ-જતનની વાતો કરીને સંતોષ માની રહ્યા છે, જ્યારે બેકરે તો આબિદ્જાન શહેરના કચરાને આનંદદાયક સ્થળમાં ફેરવી દીધો છે.