બોગાટોઃ કોલંબિયાના એમેઝોનના ગાઢ જંગલમાં પહેલી મેના રોજ સિંગલ એન્જિનનું એક વિમાન તૂટી પડ્યું હતું, જેમાં ચાર બાળકો અને એક પાયલટ સહિત સાત લોકો હતા. આ વિમાન અકસ્માતમાં પાયલટ, બાળકોની માતા અને એક સ્થાનિક નેતાનું મોત થયું, પરંતુ 40 દિવસ પછી ચાર આદિવાસી બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકો દાદા-દાદીએ આપેલા આદિવાસી શિક્ષણની મદદથી જંગલી પ્રાણીઓ, જીવલેણ કીડાઓ વચ્ચે પણ જીવી ગયા છે.
કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ શનિવારે જાહેરાત કરી હતી કે બચાવ ટુકડીએ 40 દિવસના સઘન પ્રયાસો પછી એમેઝોનના જંગલોમાંથી ચાર બાળકોને જીવતા બચાવી લીધા છે. બચાવ ટીમે 13, 9 અને 4 વર્ષની વયના બાળકો તેમજ 11 મહિનાના એક નવજાતને એમેઝોનના જંગલમાંથી બચાવ્યા છે. આ બાળકોને શોધવા માટે કોલંબિયાના સલામતી દળોની ટૂકડીએ આકાશ-પાતાળ એક કરી લીધા હતા. વિમાન અકસ્માત સ્થળે બચાવ ટૂકડીને બાળકોના પગનાં નિશાન, એક ડાયપર, અડધું ખાધેલું ફળ મળતાં તેમને ખાતરી થઈ કે બાળકો જીવિત છે. પરંતુ તેમના માટે ચિંતાની બાબત એ હતી કે બાળકો ભટકતા રહેશે તો તેમને શોધવા મુશ્કેલ બની જશે.
આથી બચાવ ટુકડી બાળકોની દાદીએ રેકોર્ડ કરેલો એક સંદેશ પણ પ્રસારિત કરતી રહેતી હતી. બાળકોના દાદાએ કહ્યું હતું કે, બાળકો જંગલથી સારી રીતે પરિચિત છે અને હ્યુટોટો આદિવાસી બાળકો શિકાર કરવાનું, માછલી પકડવાનું જાણે છે. આ બાળકો તેમના દાદા-દાદીએ આપેલા આદિવાસી શિક્ષણની મદદથી જીવી ગયા છે.
પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું હતું કે, આજે અમારો દિવસ ચમત્કારિક રહ્યો. પાંચ સપ્તાહની સધન તપાસ પછી એમેઝોનનાં રેઇન ફોરેસ્ટમાં થયેલી વિમાન દુર્ઘટના પછી ચાર બાળકો જીવંત મળી આવ્યાં છે. આ ચારેય બાળકો ભાઈ-બહેન છે. આ બાળકોની શોધમાં સ્થાનિક લોકો, આર્મી તેમની શોધમાં જોડાયા હતા. આ ચારેય બાળકો જીવંત મળી આવતાં સમગ્ર દેશમાં આનંદની લહેર વ્યાપી છે.
ભવિષ્યમાં તેઓની ગાથા એક ઇતિહાસ બની રહેશે. આ ચાર બાળકોનાં નામ છે લેસ્લી જૈકોમ્બેયર મુકુટુય (13), સોલેની જૈકોમ્પ્રેયર મુય (9), તીપેન શનોક મુકુટુય (4) અને એક શિશુ ક્રીસ્ટીન રાનોક મુકુટુય છે. આ પહેલાં ગુસ્તાવોએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બચાવ ટૂકડીના અનેક લોકો જોવા મળી રહ્યા હતા અને જંગલમાં તાડપત્રી પર બેઠેલા બાળકોની સંભાળ રાખી રહ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બાળકોને એક હેલિકોપ્ટરમાં લઈ જતા દર્શાવાયા હતા.
મૂળભૂત રૂપે પહેલી મેના રોજ સેસના 206 વિમાન એમેઝોનના જંગલોમાં તૂટી પડ્યું હતું, જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા જ્યારે ચાર બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. હ્યુટોટો આદિવાસી જૂથના બાળકો જંગલમાં એકલા જ ભટકી રહ્યા હતા. આ જંગલ જગુઆર, સાપ અને અન્ય શિકારીઓની સાથે સશસ્ત્ર ડ્રગ તસ્કરી જૂથોનો અડ્ડો છે.