નવી દિલ્હીઃ ફ્રાંસ - તુર્કી વચ્ચેના અણબનાવમાં એક તરફ ફ્રાંસ ઇસ્લામિક કટ્ટરપંથ પર લગામ લગાવવાની વાત કરે છે ત્યારે બીજી તરફ તુર્કી ફ્રાંસ પર ઇસ્લામોફોબિયાને વેગ આપવાનો આરોપ મૂકે છે. હવે આ વિવાદમાં અન્ય મુસ્લિમ દેશો પણ જોડાયા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને રવિવારે ટ્વિટ કરી કે, તેમનો દેશ ક્યારેય ઝૂકશે નહીં અને શાંતિની સ્થાપના કરવા વૈચારિક મતભેદોનું સ્વાગત કરશે. તેની સામે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ ઇર્દવાને મેક્રોનને માનસિક સ્વાસ્થ્યની સારવાર લેવાની સલાહ આપી હતી. આ ટિપ્પણીથી નારાજ મેક્રોને તુર્કીમાંથી રાજદૂતને પરત બોલાવવાની જાહેરાત કરી હતી. ફ્રાંસ તુર્કીનો વિવાદ વકરતાં મુસ્લિમ દેશોમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલો થઈ રહી છે. તુર્કીના મિત્રરાષ્ટ્ર કતારે ફ્રાંસના કલ્ચરલ કાર્યક્રમને અટકાવવાની જાહેરાત કરી હતી.