ફ્રેન્કફર્ટ: જાપાને જગતનું સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યુટર ‘ફુગાકુ’ તૈયાર કર્યું છે. અમેરિકન સંસ્થા ટોપ-૫૦૦ જાહેર કરેલા જગતના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર્સના લિસ્ટમાં ‘ફુગાકુ’ને પ્રથમ ક્રમ મળ્યો છે. ટોપ-૫૦૦ દ્વારા વર્ષમાં બે વખત ફાસ્ટેસ્ટ ૫૦૦ કમ્પ્યુટર્સનું લિસ્ટ જાહેર કરાય છે.
આ સાથે જ અત્યાર સુધી પ્રથમ ક્રમે રહેલું આઈબીએમ કંપનીનું ‘સમિટ’ હવે બીજા નંબરે આવી ગયું છે. સુપર કમ્પ્યુટરના ટોપ સર્જકોમાં જાપાનના આગમનથી અમેરિકા અને ચીનની એક દાયકાથી ચાલતી મોનોપોલી તૂટી છે. સામાન્ય રીતે આ બન્નેમાંથી કોઈ એક દેશના કમ્પ્યુટર્સ જ પહેલું સ્થાન મેળવતા હતા.
‘ફુગાકુ’ની કેપેસિટી ૪૧૫.૫ પેટાફ્લોપની છે એટલે કે એક સેકન્ડમાં આ કમ્પ્યુટર ૪.૧૫ લાખ અબજ ગણતરી કરી શકે છે. આઇબીએમનું સમિટ ૧૨૫ પેટાફ્લોપની ક્ષમતા ધરાવે છે એટલે કે સેકન્ડમાં ૧,૨૫,૦૦૦ અબજ ગણતરી કરી શકે છે. આમ સરખામણી કરીએ તો, સમિટ કરતાં ‘ફુગાકુ’ લગભગ પોણા ત્રણ ગણું ઝડપી છે. આ પહેલા ૨૦૧૧માં જાપાની સુપર કમ્પ્યુટર લિસ્ટમાં પ્રથમ ક્રમે હતું. જાપાની કંપની ફુજિત્સુ અને સરકારી સંસ્થા રિકેને મળીને આ કમ્પ્યુટર તૈયાર કર્યું છે. હાલ તેને કોરોના સામે લડવાના કામે લગાડાયું છે. કોરોનાના કેસમાં અબજો ગણતરી કરાવાની હોવાથી અનેક દેશો પોતાના સુપર કમ્પ્યુટર્સની મદદ લઈ રહ્યા છે. આમ તો ૨૦૨૧માં આ કમ્પ્યુટર તૈયાર થવાનું હતું પણ સમય કરતાં વહેલું તૈયાર થઈ જતાં જાપાને તેને કોબે શહેરમાં સક્રિય કરી દીધું છે. અલબત્ત, એ પૂર્ણપણે તો આવતા વર્ષે જ કાર્યરત થશે.
સામાન્ય રીતે આપણે કામ કરતાં હોઈએ એ પર્સનલ કમ્પયુટર કે લેપટોપની ઝડપ કરતાં હજારેક ગણું વધારે ઝડપી હોય એવા કમ્પ્યુટરને સુપર કમ્પ્યુટર ગણવામાં આવે છે. જ્યાં કરોડો-અબજો ગણતરી કરવાની થતી હોય એવી સંસ્થાઓમાં આવા કમ્પ્યુટરો વપરાતાં હોય છે. ટોપ-૫૦૦ દ્વારા જાહેર થયેલા ૫૦૦ સુપર કમ્પ્યુટર્સમાં ચીનનો દબદબો જોવા મળે છે. ટોપ-૫૦૦માં તેના કુલ ૨૨૬ કમ્પ્યુટર્સ છે, અમેરિકાના ૧૧૪, જાપાનના ૩૦, ફ્રાન્સના ૧૮ અને જર્મનીના ૧૬ છે.
લિસ્ટમાં બે કમ્પ્યુટર ભારતના
૫૦૦ના વૈશ્વિક લિસ્ટમાં ભારતના બે કમ્પ્યુટરનો સમાવેશ થયો છે. ગયા વર્ષના લિસ્ટમાં ભારતના ૯ કમ્પ્યુટર હતા. આ વખતે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મિટિરિયોલોજી ખાતે આવેલું પ્રત્યુશ નામનું કમ્પ્યુટર ૬૭મા ક્રમે છે. બીજું કમ્પ્યુટર ૧૨૦મા ક્રમે છે, જે નેશનલ સેન્ટર ફોર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના નોઈડા ખાતેના મુખ્યાલયમાં મુકાયું છે.