હેલસિન્કી: કોરોનાના મહામારી વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો દરજ્જો જાળવી રાખ્યો છે. ગેલપ દ્વારા સતત નવમા વર્ષે આ યાદી જાહેર કરાઈ હતી જેમાં ૧૪૯ દેશોની જીવનશૈલી, સામાજિક સપોર્ટ, વ્યક્તિગત સ્વતંત્રતા, ભ્રષ્ટાચારનું પ્રમાણ જેવાં પરિબળોને આવરી લઈને દરેક દેશને હેપીનેસનું રેટિંગ આપવામાં આવ્યું હતું.
વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં સામેલ ૧૪૯ દેશોની આ યાદીમાં બ્રિટન ૧૭મા ક્રમે છે તો ભારતનો નંબર છેક ૧૩૯મો છે. ફિનલેન્ડનું જીવનધોરણ અને ગુણવત્તા ઉચ્ચતમ જણાયાં હતાં. આ ઉપરાંત સુરક્ષા તેમજ પબ્લિક સર્વિસમાં તેને ઊંચું રેટિંગ મળ્યું હતું. રિપોર્ટમાં ખાસ કરીને ત્રણ માપદંડો લોકોનું જીવનધોરણ, પોઝિટિવ ઈમોશન્સ અને નેગેટિવ ઈમોશન્સને ધ્યાનમાં લેવાયા હતા.
યુરોપિયન દેશોનો દબદબો
યુરોપના દેશોએ ફરી એક વાર વિશ્વના ખુશહાલ દેશોમાં બાજી મારી હતી. ટોચના પાંચ ખુશ દેશોમાં પહેલા નંબરે ફિનલેન્ડ પછી ડેનમાર્ક બીજા નંબરે, સ્વિત્ઝર્લેન્ડ ત્રીજા, આઈસલેન્ડ ચોથા અને નેધરલેન્ડ પાંચમા નંબરે રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ એક સ્થાન ગગડીને ૯મા સ્થાને પહોંચ્યું છે. આમ ટોપ-૧૦ દેશોમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર નોન યુરોપિયન દેશ હતો.
કયા દેશની કેવી સ્થિતિ?
અન્ય દેશોની વાત કરીએ તો, જર્મની ૧૭મા ક્રમેથી આગળ વધીને ૧૩મા ક્રમે પહોંચ્યું હતું જ્યારે ફ્રાન્સ બે પગથિયાં આગળ વધીને ૨૧મા ક્રમે રહ્યું છે. યુકે ૧૩મા સ્થાનેથી સરકીને ૧૭મા ક્રમે અને અમેરિકા ૧ પગથિયું ગગડીને ૧૯મા ક્રમે પહોંચ્યું હતું.
વિશ્વનો અનહેપી દેશ ક્યો?
આ યાદીમાં અફઘાનિસ્તાને વિશ્વના સૌથી ઓછામાં ઓછો ખુશ દેશ તરીકે સ્થાન મેળવ્યું છે. ત્યાંના લોકોનું જીવનધોરણ સુખી ન હતું. આફ્રિકાના દેશો લિસોથો, બોટ્સવાના, રવાન્ડા અને ઝિમ્બાબ્વે ખુશ દેશોની યાદીમાં તળિયે રહ્યા છે. આ વખતે યાદી તૈયાર કરવામાં કોરોનાની અસરોને પણ ધ્યાનમાં લેવાઈ હતી.
સંપત્તિને બદલે તંદુરસ્તીને મહત્ત્વ આપે
ત્રીજા ભાગના દેશોમાં કોરોનાને કારણે લોકોમાં નકારાત્મક ભાવના જોવા મળી હતી જ્યારે ૨૨ દેશોમાં લોકોના પોઝિટિવ વિચારો અને ભાવના વધ્યા હતા. લોકોએ કોરોના મહામારીને સામાન્ય રીતે મૂલવી હતી અને દરેકને અસર કરતો બાહ્ય ખતરો ગણાવ્યો હતો. આને કારણે લોકોમાં સારી ભાવના અને એકતાનાં મૂલ્યો જાગ્યાં હતાં. રિપોર્ટ તૈયાર કરનાર જેફ્રી સાશે ચેતવણી આપી હતી કે કોરોના પછી આપણે સૌએ સંપત્તિને બદલે તંદુરસ્તીને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ.