હેલસિન્કી: ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે. તેનો ટાપુ ઉલ્કો-ટેમિયો તો તેના સમૃદ્ધ કુદરતી સૌંદર્યના કારણે હંમેશા પ્રવાસીઓની પહેલી પસંદ રહ્યો છે. ઉનાળાની રજાઓ શરૂ થતાં જ અહીં પ્રવાસીનો ધસારો પણ વધી જાય છે. જોકે અહીંના વહીવટી તંત્રે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ટાપુમાં પ્રવેશતા પહેલાં ફોન અને કેમેરા પર સ્ટિકર લગાવાય છે જેમાં પ્રવાસીઓને ફોનનો ઉપયોગ ન કરવા સુચના છે. સાથે જ અપીલ છે કે ટાપુનાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણો. દાવો છે કે ઉલ્કો-ટેમિયો દુનિયાનો પહેલો ટાપુ છે જે સંપૂર્ણપણે ફોનમુક્ત - કેમેરામુક્ત છે.
ટાપુના પ્રવાસન વિભાગના વડા મેટ્સ સેલિને કહે છે કે અમે રજા માણવા આવેલા પ્રવાસીઓને તેમનાં સ્માર્ટ ગેજેટ્સ બંધ કરવાની સાથે અલગ-અલગ ટાપુઓના કુદરતી સૌંદર્યનો સંપૂર્ણ આનંદ માણવાનો આગ્રહ કરીએ છીએ. ટાપુઓનું સંચાલન કરનાર કંપની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ ફિનલેન્ડને આશા છે કે ફોન-મુક્ત અભિયાન પ્રવાસીઓને વનસ્પતિઓ, પ્રાણીસૃષ્ટિ અને સાથી પ્રવાસીઓ સાથે જોડવામાં મદદ કરશે. આ માનસિક રીતે પણ ફાયદાકારક રહેશે. ફિનલેન્ડના ટાપુની આ પહેલ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે મોબાઈલ ફોન બનાવવામાં એક સમયે ટોચ પર રહેલી નોકિયા કંપની પણ અહીંની જ છે.
નવા અનુભવો માટે નાનો બ્રેક જરૂરી
ફિનિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ વેલ્ફેરના સાઈકોલોજિસ્ટ સારી કેન્દ્રેને કહ્યું કે તમારો ફોન બંધ કરવો, પ્રકૃતિની શોધખોળ અને લોકોને સામ-સામે મળવું મૂડ અને સ્વાસ્થ્યને વધારવામાં મદદરૂપ થઈ શકે છે. નવા અનુભવો માટે સોશ્યલ મીડિયાથી નાનો બ્રેક લેવો જરૂરી છે.