મનીલાઃ ફિલિપિન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી છે કે તેઓ લોકોનો શિરોચ્છેદ કરનારા મુસ્લિમ આતંકીઓ કરતાં ૫૦ ગણા વધારે ક્રૂર છે. આટલું જ નહીં જો આ આતંકીઓ જીવતા પકડાશે તો તેઓ તેમના કલેજાં પણ ખાઈ શકે છે. દુતેર્તે ડ્રગની હેરાફેરી કરનારાઓને મારી નાંખવાની અનેકવાર ધમકી આપી ચૂક્યા છે. તેમણે બેહોલના સેન્ટ્રલ રિસોર્ટમાં સૈનિકો પર હુમલો કરીને ભાગી ગયેલા મુસ્લિમ આતંકીઓને મારી નાખવાનો આદેશ આપ્યો હતો અને તેમને પશુ ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે જો તમારી ઈચ્છા છે કે હું પશુ બની જાઉં તો તેની પણ મને ટેવ છે.
દુતેર્તેએ કહ્યું હતું કે મારો મિજાજ ખરાબ હોય અને મારી સામે આતંકવાદીને લાવવામાં આવે તો હું મીઠું અને વીનેગર નાંખીને ચાવી જઈ શકું છું.
દુતેર્તે ગુનાખોરીનો સફાયો કરનારા તરીકે જાણીતા છે. ગયા વર્ષે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ડ્રગની ગેરકાયદેસર હેરાફેરી, ભ્રષ્ટાચાર અને આંતકવાદનો સફાયા કરવા જેવા વચનોને આધારે વિજયી થયા હતા અને તેમનું ડ્રગ્સવિરોધી કડક વલણ જાણીતું પણ છે. તેમણે ચેતવણી આપી હતી કે આંતકવાદીઓની ધમકીઓ બેકાબૂ બની જશે તો તેઓ ફિલિપિન્સમાં લાંબા સમય સુધી સૈન્ય શાસન લાગુ કરી
શકે છે.