વોશિંગ્ટનઃ ફેસબુકના લાઈક અને શેર જેવા ફિચર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખાસ બનાવે છે, પરંતુ તેના કારણે યુવાનોમાં ડિપ્રેશન જેવી મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક છેલ્લાં ઘણાં સમયથી આ ફરિયાદોનો સામનો કરી રહ્યું છે. આમ છતાં, ફેસબુક છેલ્લા બે વર્ષથી આ મુશ્કેલીઓનો ઉકેલ લાવવાના ફક્ત વિચાર જ કરી રહી છે.
ફેસબુકે ૨૦૦૯માં લાઈક બટનની શરૂઆત કરી હતી. વ્હિસલબ્લોઅર ફ્રાંસિસ હાઉગેને હાલમાં જ આ સમસ્યાઓ સંબંધિત કેટલાક દસ્તાવેજો અમેરિકન એજન્સીઓને સોંપ્યા છે. તેમાં માલુમ પડ્યું છે કે, ફેસબુક તેની મુશ્કેલીઓ દૂર કરવા સંશોધનો જરૂર કરે છે, પરંતુ પછી પગલાં નથી લેતી. ઈન્સ્ટાગ્રામથી પણ યુવાનોમાં તણાવ, ચિંતા જેવા રોગો વધ્યા છે, પરંતુ ત્યાં પણ આ જ સ્થિતિ છે.
ખાસ કરીને યુવાનો ત્યારે વધુ તણાવમાં આવે છે, જ્યારે તેમને વધુ લાઈક નથી મળતી. ફેસબુકનું માનવું છે કે, જો ઈન્સ્ટાગ્રામ જેવા ફોટો શેરિંગ એપ પરથી થમ્સઅપ, લાઈક કે ઈમોજી હટાવી દેવાશે તો યુઝર્સ કરશે શું! તેમના સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, આ બધું હટાવ્યા પછી યુઝર્સ તે એપમાં રસ પણ નથી લેતા. એટલું જ નહીં, યુવાનોએ ફોટો શેર કરવાનું પણ ઓછું કરી દીધું હતું.