વોશિંગ્ટન: સર્વાધિક લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વીસ વીતેલા સપ્તાહે સાત કલાક માટે ઠપ્પ થઇ જતાં ભારે હોબાળો મચી ગયો હતો એ તો સહુ કોઇ જાણે છે. પરંતુ આમ થવા પાછળનું કારણ શું હતું તે હવે બહાર આવ્યું છે. ફેસબુકના એક એન્જિનિયરની એક ભૂલે આ મોંકાણ સર્જી હતી. અને આ ભૂલ ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગને ભારે પડી છે. ફેસબૂક ઇન્ક.ના શેરોમાં કડાકો બોલી જતાં તેની માર્કેટ કેપમાં ૪૭.૩૦ બિલિયન ડોલર (ભારતીય રૂપિયામાં કહીએ તો ૩.૫૩ લાખ કરોડ રૂપિયા)નું ધોવાણ થઇ ગયું હતું. તો કંપનીના કર્તાહર્તા ઝકરબર્ગની સંપત્તિમાં ૭ બિલિયન ડોલરનું ઘટાડો નોંધાયો હતો.
ફેસબૂક ઈન્કે. ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વૈશ્વિક આઉટેજ અંગે શરૂઆતમાં તો કોઈ કારણ જાહેર કર્યું નહોતું. જોકે, એક ન્યૂઝ એજન્સીએ ખણખોદ કરીને શોધી કાઢ્યું હતું કે આંતરિક રાઉટિંગમાં એક ભૂલના કારણે આ આઉટેજ સર્જાયું હતું. અનેક સિક્યોરિટી નિષ્ણાતોનો પણ એવો જ મત હતો કે ફેસબૂક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાનું કારણ આંતરિક ભૂલ હતી. છેવટે ફેસબૂકે પણ આ હકીકત સ્વીકારી હતી.
દર મિનિટે ૨.૨૦ લાખ ડોલરનું નુકસાન
અમેરિકન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફેસબૂક દુનિયાની બીજી સૌથી મોટી ડિજિટલ એડવર્ટાઇઝીંગ કંપની છે. સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સ મુજબ, આઉટેજ દરમિયાન કંપનીને એકલા અમેરિકામાં જ જાહેરાત પેટે પ્રતિ કલાક ૫.૪૫ લાખ ડોલરનું નુકસાન થયું હતું. એક રિપોર્ટ મુજબ ફેસબૂક જાહેરાત પેટે દૈનિક ૩૧૯ મિલિયન ડોલરની કમાણી કરે છે. મતલબ કે કંપની જાહેરાતથી દર કલાકે ૧૩.૩ મિલિયન ડોલરની કમાણી કરે છે. આમ કંપની પ્રત્યેક મિનિટે અંદાજે ૨.૨૦ લાખ ડોલર અને દર સેકન્ડે ૩,૭૦૦ ડોલરની કમાણી કરે છે. આ આઉટેજ સાત કલાકથી વધુ ચાલ્યું હતું. આ કમાણીના અહેવાલોના આધારે ગણતરી માંડશો તો ખ્યાલ આવશે કે સાત કલાકના આઉટેજથી ફેસબૂકને કેટલું નુકસાન થયું હશે.
આ આઉટેજથી માત્ર ફેસબૂક ઇન્ક. કે ઝકરબર્ગને જ નુકસાન થયું છે એવું નથી. આનાથી વૈશ્વિક અર્થતંત્રને ૧૬૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું સાઈબર સિક્યોરિટી વોચડોગ નેટબ્લોક્સનું કહેવું છે. ફેસબૂક દુનિયામાં સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વોટ્સએપ દુનિયાની સૌથી મોટી પર્સનલ મેસેજ શેરિંગ એપ છે જ્યારે ઈન્સ્ટાગ્રામ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય એપ છે. આ ત્રણેની માલિક ફેસબૂક ઈન્ક. છે.
ફેસબૂકે મગનું નામ મરી પાડ્યું...
ફેસબૂક ઈન્કે. વૈશ્વિક આઉટેજ અંગે શરૂશરૂમાં તો હકીકત છુપાવી હતી. છેવટે ખુલાસો કરતાં ફેસબૂકના પ્રેસિડેન્ટ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) સંતોષ જનાર્દને જણાવ્યું હતું કે, એક એન્જિનિયરે ભૂલથી બેકબોન રાઉટર્સના કન્ફીગ્યુરેશનમાં ફેરફાર કર્યો હતો, જેના પરિણામે બેકબોન રાઉટર્સનું કનેક્શન તૂટી ગયું હતું. આથી અમારા ડેટા સેન્ટર્સ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શક્યા નહોતા, જેના પરિણામે અમારી સર્વિસીસ ઠપ્પ થઈ ગઈ હતી.
જનાર્દને ફેસબૂકના સર્વર્સ પર સાઈબર એટેક થયાનો કે યુઝરના ડેટા ચોરાયાનો ઈનકાર કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારી એન્જિનિયરિંગ ટીમને બેકબોન રાઉટર્સમાં કન્ફીગ્યુરેશન બદલાયાની જાણ થઈ હતી. કન્ફિગ્યુરેશન બદલાતાં અમારા ડેટા સેન્ટર્સ વચ્ચેનો નેટવર્ક ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જેના પગલે અમારી બધી એપની સર્વીસ ખોરવાઈ ગઈ હતી.
ફેસબૂકની આ ભૂલ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીના ઈન્ટરનેટ નિષ્ણાત જોનાથન ઝીટ્રેને જણાવ્યું હતું કે, ટેક્નિકાલિટી છોડીને સરળ શબ્દોમાં કહીએ તો ફેસબૂક માટે આ એવી સ્થિતિ હતી જેમ કે આપણે કારમાંથી બહાર નીકળીને કારને લોક કરી દઇએ અને ચાવી કારમાં જ રહી ગઇ હોય.