ઈસ્લામાબાદઃ સાઈબર સિક્યુરિટી પોલિસીના ભાગરૂપે ફેસબુકે પાકિસ્તાન લશ્કર સાથે જોડાયેલા ૧૦૩ નકલી પેજ અને એકાઉન્ટને ડિલિટ કરી દીધા છે. પાકિસ્તાન લશ્કરની મીડિયા પાંખ આ એકાઉન્ટ્સ ચલાવતી હતી અને તેના દ્વારા ભારત વિરુદ્ધ જુઠાણાં ચલાવવાનું કામ થતું હતું. ફેસબુકના સિક્યુરિટી પોલિસીના વડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના ૧૦૩ એકાઉન્ટ્સ અને પેજ ડિલિટ કરવામાં આવ્યા હતા. એ એકાઉન્ટ્સ અને પેજ પાકિસ્તાની લશ્કરની મીડિયા પાંખ દ્વારા ચલાવવામાં આવતા હતા.
ફેસબુકના કહેવા પ્રમાણે આ એકાઉન્ટ્સ અને પેજમાં ઉશ્કેરણીજનક માહિતીનો ફેલાવો થતો હતો અને ખાસ તો પાકિસ્તાન અને ભારતની સરહદે આવેલા જિલ્લાઓમાં આ પેજના માધ્યમથી શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવતી હતી. અમુક પેજ અને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એમ બંનેમાં લિંક થયેલા હતા. એવા પેજને હંમેશા માટે ફેસબુકે પ્લેટફોર્મ ઉપરથી હટાવી દીધા હતા.