નાઈરોબીઃ કેન્યામાં ફેસબૂકના 185 પૂર્વ મોડરેટરોએ ફેસબૂક માટે ભયાનક કન્ટેટ્સને હળવા બનાવવાની કામગીરીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD), ડીપ્રેશન અને ચિંતાતુરતાનો શિકાર બન્યા હોવાના દાવા સાથે વળતર મેળવવા કાનૂની કાર્યવાહી આરંભી છે. મેટાની આઉટસોર્સિંગ કંપની સામાસોર્સના પૂર્વ કર્મચારીઓએ દાવો કર્યો છે કે તેમણે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં બોલી ન શકાય તેવા ગ્રાફિક વીડિયોઝની ચકાસણી કરી હતી.
નાઈરોબીમાં બે કરતાં વધુ વર્ષ સુધી ભયાનક વીડિયો કન્ટેન્ટની ચકાસણી કરતી યુવાન માતાએ કોર્ટ સમક્ષ દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે આ ગ્રાફિક વીડિયોઝમાં જુગુપ્સાપ્રેરક, જંગલી અને અસાધારણ સેક્સ્યુઅલિટી, બાળશોષણ, અત્યાચાર, અંગવિચ્છેદ અને હત્યાનો સમાવેશ થયો હતો જેના પરિણામે, તેણે ઉલટી કરવી પડતી હતી. એક કિસ્સામાં તેણે સાપ સાથે સેક્સ કરતા પુરુષનો વીડિયો જોવો પડ્યો હતો.
આ મહિલા સેંકડો યુવા આફ્રિકન્સ અને ઘણા કેન્યનોમાં એક હતી જેમણે 2019થી 2023ના ગાળામાં આઉટસોર્સિંગ કંપની માટે કામ કર્યું હતું. ફેસબૂકની માલિક કંપની મેટા દર મિનિટે સોશિયલ પ્લેટફોર્મ પર અપલોટ કરાતા અત્યંત ખરાબ વીડિયોઝ અને ઈમેજીસથી તેના કરોડો વપરાશકારોનું રક્ષણ કરવા આઉટસોર્સિંગ કંપનીઓનો ઉપયોગ કરે છે.
કેન્યાની કોર્ટ્સમાં વળતરનો દાવો 185 મોડરેટરો અનુસાર તેમણે આંખોને આંજતી લાઈટ્સ, અતિ ઠંડા એપ કંડિશનિંગ, બિનઆરામદાયી સીટ્સ અને ભારે બ્રાઈટનેસ સાથેના સ્ક્રીન્સ ધરાવતી ફેસિલિટીમાં દિવસ અને રાતની શિફ્ટ્સમાં કામ કરવું પડતું હતું. યોગ્ય પરફોર્મન્સ ન જણાય તો કોન્ટ્રાક્ટ્સ રદ થવાનો ભય રહેતો હતો. તેમની પાસે દરેક કન્ટેન્ટ ચકાસવાની એક મિનિટ હતી પરંતુ, તેની અસર લાંબો સમય મગજ પર રહેતી હતી. તેમણે ચકાસેલા અતિ ખરાબ વીડિયોઝના કારણે દુઃસ્વપ્નો, માઈગ્રેન્સ, ચીસો પાડવી, ગુસ્સો કરવો સહિતના હુમલાઓ સહન કરવા પડ્યા હતા.
મેટા દ્વારા ચોક્કસ ક્લેઈમ્સ પર ટીપ્પણીનો ઈનકાર કરાયો છે પરંતુ, જણાવ્યું હતું કે આઉટસોર્સિંગ કંપનીઓ કાઉન્સેલિંગ અને હેલ્થકેર પૂરાં પાડે, સ્થાનિક કંપનીઓ કરતાં વધુ વેતન આપે તેમ ઠરાવાયું છે.