લંડનઃ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને યુરોપ અનુક્રમે ૧૪૫ અને ૧૪૩ કંપની સાથે બીજા સ્થાને પહોંચ્યા છે. ૧૩૨ કંપની સાથે યુએસએની પ્રતિષ્ઠિત યાદીમાં સૌથી વધુ હાજરી છે, જ્યારે તેના પછી ૧૦૯ કંપની સાથે ચીનનો ક્રમ છે.
આ યાદીમાં જાપાન ૫૧ કંપનીઓ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. સાઉથ કોરિયાની ૧૫ કંપની છે અને ભારતની માત્ર સાત કંપની છે. ટોપ ૨૦૦ કંપનીઓમાં ભારતની એકમાત્ર ઈન્ડિયન ઓઈલ છે, જેનો ક્રમ ૧૬૮મો છે. યાદીમાં અન્ય છ ભારતીય કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (૨૦૩), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (૨૧૭), ટાટા મોટર્સ (૨૪૭), જેમ્સ અને જ્વેલરી ફર્મ રાજેશ એક્સપોર્ટ્સ (૨૯૫), ભારત પેટ્રોલિયમ (૩૬૦) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૩૮૪)નો સમાવેશ થાય છે. અન્ય સરકારી જાયન્ટ ઓએનજીસીને લિસ્ટમાં સ્થાન મળ્યું નથી.
કંપનીઓમાં પ્રથમ સ્થાને વોલમાર્ટ છે જેની રેવન્યુ ૪૮૫.૯ બિલિયન ડોલર છે. તેના પછીના ક્રમે એનર્જી સેક્ટરની ચાઈનીઝ ફર્મ્સ સ્ટેટ ગ્રીડ, સીનોપેક અને ચાઈના પેટ્રોલિયમ આવે છે. પ્રથમ-૧૦ કંપનીમાં ટોયોટા, ફોક્સવેગન, રોયલ ડચ શેલ, બર્કશાયર હાથવે, એપલ અને એક્સોન મોબિલનો પણ સમાવેશ થાય છે.
ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની કંપનીઓએ ૨૦૧૬માં કુલ ૨૭.૭ ટ્રિલિયન ડોલર રેવન્યુનું સર્જન કર્યું હતું અને સંયુક્ત નફો ૧.૫ ટ્રિલિયન ડોલર હતો તેમજ ૬૭ મિલિયન કર્મચારીને નોકરીએ રાખ્યા હતા.