ન્યૂ યોર્કઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત અમેરિકી મેગેઝિન ફોર્ચ્યુને ‘૪૦ અંડર ૪૦’ યાદી જાહેર કરી છે. ‘૪૦ અંડર ૪૦’ એટલે ઉદ્યોગ જગતમાં ૪૦ વર્ષની નીચેના ૪૦ પ્રભાવશાળી અને પ્રેરણાદાયી લોકોની યાદી. આ વર્ષની યાદીમાં બે ભારતીયોને પણ સ્થાન મળ્યું છે. ઈન્ટેલ (એઆઇ સોફ્ટવેર અને એઆઇ લેબ)ના વાઇસ પ્રેસિડેન્ટ અર્જુન બંસલ અને જિલિંગો ફેશન પ્લેટફોર્મના સીઇઓ અને સહસ્થાપક અંકિતી બોઝે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે આ યાદીમાં કુલ ચાર ભારતીય સામેલ હતાં જેમાંથી ત્રણ તો મહિલાઓ હતી.
મેગેઝિનના રિપોર્ટમાં જણાવાયું છે કે ૩૫ વર્ષીય અર્જુન બંસલની ટીમમાં અંદાજે ૧૦૦ જેટલા કર્મચારીઓ છે જે અમેરિકા, ઇઝરાયેલ અને પોલેન્ડમાં ફેલાયેલા છે. ત્યાં રહીને તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીને વધારે સારી રીતે વિકસાવાના પ્રયત્નો કરે છે.
બંસલની આ ટીમ ઇન્ટેલની સિલિકોન ચિપ આધુનિક આર્ટિફિશિય ઇન્ટલિજેન્સના સોફ્ટવેર સાથે કામ કરી શકે તે માટે સતત પ્રયાસ કરે છે. ઉલ્લેખનીય છે કે નિર્વાણા એ ઇન્ટેલ સાથે જોડાયેલો એક મહત્ત્વપૂર્ણ એઆઇ પ્રોજેક્ટ છે. અર્જુન બંસલ નિર્વાણાના સહસ્થાપક પણ છે. ૨૦૧૬ના વર્ષમાં ઇન્ટેલ દ્વારા રૂ. ૨૫૦૦ કરોડમાં નિર્વાણાને ખરીદવામાં આવ્યું હતું.
અંકિતી બોઝ ૨૭ વર્ષનાં છે જેમણે ચાર વર્ષ પહેલાં સિંગાપુરમાં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તે જ્યારે બેંકકાગ ગયા ત્યારે ત્યાં સ્થાનિક બજારમાં ફરતા ફરતા તમેને ખબર પડી કે આ લોકો પાસે તેમનો સામાન ઓનલાઇન વેચવા માટે કોઇ પ્લેટફોર્મ નથી. જ્યાંથી તેને ફેશન પ્લેટફોર્મ જિલિંગો શરૂ કરવાનો વિચાર આવ્યો. આજે તેનું આ સ્ટાર્ટઅપ આઠ દેશોમાં ફેલાયેલું છે અને ૬૦૦ લોકો તેની કંપનીમાં કામ કરે છે. કંપનીની માર્કેટ વેલ્યુ ૯૭ કરોડ ડોલર થઇ છે.