ન્યૂ યોર્ક:ફોર્બ્સ મેગેઝિન દ્વારા જારી કરાયેલી વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની યાદીના ટોપ ટેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વમાં બદલાવ લાવવાની શક્તિ ધરાવતા સૌથી શક્તિશાળી વ્યક્તિઓની ૭૫ સભ્યોની યાદીમાં મોદીને નવમું સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં પહેલી વાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પ્રથમ સ્થાને રહ્યા છે. તેમણે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકેના રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્થાન ખૂંચવી લીધું છે. ૬૭ વર્ષીય મોદીએ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે, ચીની વડા પ્રધાન લીઔકેકિયાંગ અને એપલના સીઈઓ ટીમ કૂકને માત આપી છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે, દુનિયામાં વસતીનાં પ્રમાણમાં બીજું સ્થાન ધરાવતા દેશમાં મોદીની લોકપ્રિયતા ખૂબ છે. કાળા નાણાંના વ્યવહારોને ડામવા નવેમ્બર ૨૦૧૬માં મોદી સરકારે દાખલ કરેલી નોટબંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટોપ-૧૦ શક્તિશાળી હસ્તીઓ
૧. શી જિનપિંગ – ચીનના રાષ્ટ્રપતિ
૨. વ્લાદિમીર પુતિન – રશિયન પ્રમુખ
૩. ડોનાલ્ડ ટ્રમ્પ – અમેરિકન પ્રમુખ
૪. એન્જેલા મર્કેલ – જર્મન ચાન્સેલર
૫. જેફ બેઝોસ – એમેઝોનના સીઈઓ
૬. પોપ ફ્રાન્સિસ – કેથલિક વડા ધર્મગુરુ
૭. બિલ ગેટ્સ – બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સ્થાપક
૮. મોહમ્મદ બિન સલમાન – સાઉદીના પાટવી કુંવર
૯. નરેન્દ્ર મોદી – વડા પ્રધાન, ભારત
૧૦. લેરી પેજ – ગૂગલ
મોદી ઉપરાંત એકમાત્ર મુકેશ અંબાણીને યાદીમાં સ્થાન
૪૧.૨ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં સ્થાન મેળવનાર બીજા ભારતીય છે. તેમને ૩૨મું સ્થાન અપાયું છે. માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નડેલા ૪૦મા સ્થાને છે. ૨૦૧૬માં જિયો ફોન સેવાઓ શરૂ કરીને અંબાણીએ ભારતનાં ટેલિકોમ માર્કેટને વધુ સ્પર્ધાત્મક બનાવી દીધું હતું.