નવી દિલ્હીઃ વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી અને એચસીએલના સહસંસ્થાપક શિવ નાદર એમ ભારતના બે બિલિયોનેરને ફોર્બ્સના ૧૦૦ સૌથી ધનવાન ટેક્નોલોજી કિંગની યાદીમાં સ્થાન મળ્યું છે. તેમણે ગૂગલના પ્રમુખ એરિક સ્મિથ અને ઉબરના મુખ્ય કાર્યકારી ટ્રેવિસ કેલાનિક કરતાં આગળ ટોચના ૨૦ ઉદ્યોગપતિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રના ૧૦૦ અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચ પર માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ છે જેમની અંદાજિત સંપત્તિ ૭૮ અબજ ડોલર છે.
આ યાદીમાં પ્રેમજી ૧૩મા સ્થાને છે. જેમની સંપત્તિનું મૂલ્ય ૧૬ અબજ ડોલર અને નાદરની સંપત્તિનું મૂલ્ય ૧૧.૬ અબજ ડોલર છે. તેઓ ૧૭મા સ્થાને છે. ભારતીય અમેરિકનો સિમ્ફની ટેક્નોલોજીના રોમેશ વાધવાની અને સિન્ટેલના ભરત દેસાઈ તથા તેમનાં પત્ની નિરજા સેઠીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
ફોર્બ્સે કહ્યું છે કે ભારતની સૌથી મોટી ત્રીજી આઉટસોર્સિંગ કંપની વિપ્રોના પ્રમુખ પ્રેમજી ગયા વર્ષે અન્ય કંપનીઓ ટેકઓવર કરવામાં વ્યસ્ત હતા કંપની વિકાસ સાધી શકે. પ્રેમજીના પુત્ર રિશદ કંપનીનાં બોર્ડમાં છે અને પ્લાનિંગ વિભાગના વડા છે. તેઓ વિપ્રોના ૧૦ કરોડ ડોલરનાં વિકાસભંડોળનો વહીવટ કરે છે.
શિવ નાદર એચસીએલના સહસંસ્થાપક છે. કંપની અમેરિકામાં લિસ્ટિંગ કરાવવા વિચારી રહી છે. નાદરનું એક યુનિટ એચસીએલ ટેલેન્ટ કેર છે જે કુશળતા વિકસાવવા અને નવા ગ્રેજ્યુએટ થયેલાં લોકોને તાલીમ આપે છે. તેમણે સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ માટે ૫૦ કરોડનું ફંડ અલગ તારવ્યું છે. વાધવાની ૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ૬૭મા સ્થાને છે.
ફોર્બ્સની બીજી વાર્ષિક યાદીમાં ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી અમીર લોકોની ચોખ્ખી આવક અને સંપત્તિ ૮૯૨ અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષ કરતાં ૬ ટકા વધારે છે. સૌથી અમીર ૧૦૦ ટેક્નોલોજી કિંગમાં ૫૦ ટકાથી વધુ તો અમેરિકાના છે. ટેક્નોલોજી ક્ષેત્રના અમીરોના સંદર્ભમાં ચીન ૧૯ અમીરો સાથે બીજા ક્રમે છે, જેની સંયુક્ત ચોખ્ખી આવક અને સંપત્તિ ૧૩૨.૭ અબજ ડોલર છે. ચીનના સૌથી અમીર ઉદ્યોગપતિમાં અલીબાબાના સ્થાપક જેક મા ૨૫.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ૮મા સ્થાને છે. આ યાદીમાં કેનેડાના પાંચ અને જર્મનીના ૪ અબજોપતિ સામેલ છે. બીજા સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના સ્થાપક જેફ બેજોસ છે, જેમને આ વર્ષે સૌથી વધારે ફાયદો થયો છે. તેમની સંપત્તિ ૬૬.૨ અબજ ડોલર છે. ઓરેકલના ચેરમેન લૈરી એલિસન ૪થા સ્થાને છે.