પેરિસઃ સીતેરથી વધુ પુરુષોના બળાત્કારનો ભોગ બનેલી ગિઝેલ પેલિકોટ હવે ફ્રાન્સમાં જાતીય હિંસા સામેની લડતનું પ્રતીક બની છે. આ મહિલાને દાયકા સુધી તેના ભૂતપૂર્વ પતિએ નશીલા પદાર્થો પીવડાવીને અને બેભાન અવસ્થામાં રાખી હતી અને બળાત્કાર માટે અનેક પુરુષોને આમંત્રણ આપ્યું હતું. તેના પતિ સામે જ 10 વર્ષમાં 72 પુરુષો દ્વારા 200 વખત બળાત્કાર કરાવાયો હોવાનો આરોપ છે.
ફ્રાન્સમાં શનિવારે આ 71 વર્ષીય વૃદ્ધા અને તમામ બળાત્કાર પીડિતોના સમર્થનમાં પેરિસના પ્લેસ ડે લા રિપબ્લિક સહિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન અપાયું હતું. બીજી સપ્ટેમ્બરના રોજ અસાધારણ કોર્ટમાં કેસ ચાલુ થયો ત્યારથી તેની હિંમત અને સંયમ માટે પ્રશંસા કરવામાં આવી છે. આ કોર્ટ કેસમાં ગિઝેલ પેલિકોટ તેના 51 કથિત બળાત્કારીઓનો સામનો કરશે. કોર્ટે શરૂઆતમાં બંધ દરવાજે ખટલો ચલાવવાનું સૂચન કર્યું હતું, પરંતુ ગિઝેલે ખટલાને સાર્વજનિક રાખવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં, તેને પોતાનું સંપૂર્ણ નામ જાહેર કરવાની પણ મીડિયાને છૂટ આપી હતી. તેણે કોર્ટને તેના પતિ દ્વારા રેકોર્ડ કરાયેલા રેપના વીડિયો પણ જાહેર કરવાની છૂટ આપી હતી. આ વીડિયોમાં વિવિધ પુરુષો તેના નિવર્સ્ત્ર, જડ શરીર સાથે જાતીય સંભોગમાં વ્યસ્ત બનેલા દેખાય છે. ગિઝેલે જણાવ્યું હતું કે જાતીય અપરાધોનો ભોગ બનેલી અને ચૂપ રહેલી બીજા મહિલાઓને પણ હિંમત મળે તે માટે તેણે આવા નિર્ણય કર્યા છે.
ચાર વર્ષ પહેલાં પોલીસ અધિકારીઓએ દર્દનાક કહાનીની વિગતો મેળવવા મેળવવા તેને બોલાવી હતી, પરંતુ પાંચમી સપ્ટેમ્બરે તેણે પ્રથમ વખત જાહેરમાં તેની અગ્નિપરીક્ષાની ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. શાંત અને સ્પષ્ટ અવાજ સાથે આપવીતિની ભયાનકતાની વિગતવાર માહિતી આપતા પેલિકોટે જણાવ્યું હતું કે તેના ભૂતપૂર્વ પતિએ તેને નશીલા પદાર્થો પીવડાવીને બેભાન બનાવી હતી અને પોતાને ઘરે ઓછામાં ઓછા 72 અજાણ્યાઓ પુરુષોને સંભોગ કરવા આમંત્રણ આપ્યું હતું. મારું બધું બદબાદ થઈ ચુક્યું છે. આ બર્બરતા, બળાત્કારના દ્રશ્યો છે.