સંયુક્ત રાષ્ટ્ર: ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરીને તેને સ્પેશિયલ દરજ્જો આપવાનો મુદ્દો ચર્ચવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજવા ચીને માગણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મુદ્દો ચર્ચવાની ચીનની ચાલને ફ્રાન્સ અને અન્ય દેશોએ ૧૯મીએ નિષ્ફ્ળ બનાવી હતી. ફ્રાન્સ તેમજ યુએનએસસીનાં કાયમી સભ્યોએ ચીનનાં પ્રસ્તાવને ટેકો આપ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો ચર્ચવા આ યોગ્ય મંચ નથી. બિનકાયમી સભ્યો જર્મની અને પોલેન્ડે પણ આ પ્રસ્તાવથી અંતર જાળવ્યું હતું. ચીને આ પછી પ્રસ્તાવ પાછો ખેંચ્યો હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનની ફરિયાદ
જોકે પાકિસ્તાને ૧૯મીએ રાષ્ટ્રસંઘને ફરિયાદ કરી છે કે ભારત લાઈન ઓફ કન્ટ્રોલ પર આક્રમક વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ યુનાઈટેડ નેશન્સને પત્ર લખ્યો છે. એ પત્રમાં પાકિસ્તાને આક્ષેપ કર્યો છે કે એલઓસી આસપાસના વિસ્તારમાં ભારતે નવા મિસાઈલ તૈનાત કર્યાં છે. જેનાથી આ વિસ્તારની શાંતિ જોખમાઈ શકે છે.
પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે આ બધી હિલચાલ ભારત કાશ્મીરમાં બગડી રહેલી પરિસ્થિતિ પરથી વિશ્વની નજર હટાવવા માટે કરી રહ્યું છે. બીજા પાકિસ્તાની અધિકારીએ એવો દાવો કર્યો હતો કે એલઓસી પર પાંચ સ્થળે લશ્કરી મૂવમેન્ટ ઝડપી બની શકે એટલા માટે ફેન્સિંગ વાડ સહિતના અવરોધો હટાવી દેવાયા છે.
એલઓસીની પેલે પાર પાકિસ્તાન કબજાનું કાશ્મીર આવેલું છે, જે મૂળ ભારતનું છે. ભારત સરકાર એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) કબજે કરવા માટે પાકિસ્તાન પર આક્રમણ કરશે કે કેમ એ સવાલ ચર્ચાતો રહે છે.
દરમિયાન હજુ એક દિવસ પહેલા ભારતીય લશ્કરી વડા જનરલ બિપિન રાવતે એલઓસી પર સ્થિતિ તંગ હોવાનો સ્વીકાર કરીને કહ્યું હતું કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ભારતીય સૈન્ય એ માટે સંપૂર્ણ પણ તૈયાર છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે અહીં વિવિધ રેન્જના મિસાઈલ ખડકી દેવાયા છે, જેનો ઉપયોગ પાકિસ્તાનને ડરાવવા માટે થવાની સંભાવના છે. એ સંજોગોમાં દક્ષિણ એશિયાની શાંતિ ન જોખમાય એટલા માટે રાષ્ટ્રસંઘે દખલ કરવી જોઈએ.