ફ્રાન્સ-ભારત વચ્ચે છ પરમાણુ સબમરીન બનાવવા મંત્રણા

Sunday 20th August 2023 14:13 EDT
 
 

નવી દિલ્હીઃ હાલ ભારત અને ફ્રાન્સ વચ્ચે છ ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો ભારતની નૌ સેનાની દરિયાની અંદરની તાકાત બમણી થઇ જશે. છેલ્લા ચાર વર્ષથી આ દરખાસ્ત સરકારની મંજૂરીના અભાવે લટકતી રહી હોવાથી પડકારો વધી ગયા છે. ભારત પાસે રશિયાની અકુલા ક્લાસની પરણા સબમરીન હતી જેને લીઝ પર લેવામાં આવી હતી. આ લીઝ પણ 2021માં પુરી થઇ ગઇ છે. હાલ ભારતીય નૌ સેના પાસે કોઇ પરમાણુ સબમરીન નથી. ભારતે તેની આ કમીને દૂર કરવા ફ્રાન્સ સાથે વાટાઘાટો શરૂ કરી છે.
બીજી તરફ ચીન પરમાણુ સબમરીન્સના મામલે અન્ય દેશો કરતાં ઘણું આગળ છે. ચીન પાસે વિવિધ પ્રકારની 70થી વધારે સબમરીન્સ છે. જેમાં સાત પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન-એમએસબીએન, 12 પરમાણુ હુમલો કરી શકે તેવી એસએસએન સબમરીન અને 50થી વધારે ડિઝલ હુમલો કરી શકે તેવી એસએસક સબમરીન્સ છે. બીજી તરફ ભારતની સબમરીન્સ 1980ના દશકની બનાવટની છે.
ભારતની આ પરંપરાગત સબમરીન્સના સ્થાને પરમાણુ હુમલો કરી શકે તેવી એસએસએન ક્લાસની સબમરીન્સ મેળવવામાં આવશે. હાલ હિંદ મહાસાગર પર પોતાની દરિયાઇ તાકાતને જોરે વિવિધ દેશોને કનડતાં ચીનને જવાબ આપવા માટે ભારત પાસે એસએસએન ક્લાસની સબમરીન્સ હોવી જરૂરી છે. ભારત આ જરૂરિયાતને સમજી આ પ્રકારની સબમરીન્સ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ભારત હવે વિમાનવાહક જહાજો બનાવવાને બદલે એસએસએન ક્લાસની સબમરીન્સ બનાવવા માટે પ્રવૃત્ત થઇ રહ્યું છે. એસએસએન ક્લાસની સબમરીન દરિયામાં લડાકુ વિમાન જેવું કામ આપે છે. સામરિક સંતુલન જાળવવા માટે ભારત પાસે એસએનએન સબમરીન્સ હોવી જરૂરી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ સબમરીન્સ ગેમ ચેન્જર છે. આ લાંબો સમય પાણીમાં રહી શકતી સબમરીન્સની તાકાત અસિમિત છે. તે બંદરથી માઇલો દૂર રહીને પણ તેના મિશનને પાર પાડવા સક્ષમ હોય છે. વિમાનવાહક જહાજોના બેડાંમાં આ સબમરીન્સ સામેલ હોય છે. લાંબા અંતરની મિસાઇલથી સજ્જ આ સબમરીન્સ ગણતરીની મિનિટોમાં જ દરિયાઇ યુદ્ધની દિશા બદલી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter