પેરિસઃ દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, પરંતુ ફ્રાંસમાં નવા વર્ષની ઉજવણીની રીત અનોખી છે. અહીંના લોકોએ ૩૦ વર્ષ જૂની પરંપરા પ્રમાણે ન્યૂ યરના પહેલા દિવસે ૮૭૪ કારને આગચંપી કરી હતી. જોકે, ૨૦૧૯માં તેનાથી વધુ ૧૩૧૬ કાર ભડકે બળાઈ હતી. આ વર્ષે કાર બાળવા મુદ્દે દેશભરમાં ૪૪૧ લોકોની પૂછપરછ કરાઈ હતી.
કાર બાળવાની આ પરંપરા ૧૯૯૦ના દસકામાં સ્ટ્રોસબર્ગમાં શરૂ થઈ હતી. તે સમયે ગરીબ યુવાનોએ વિરોધના પ્રતીક તરીકે આમ કરવાનું શરૂ કર્યું હતું. પછી તો આ પરંપરા વિવાદાસ્પદ બની ગઈ. ૨૦૦૫માં દેશમાં આવાસ પરિયોજનાઓના વિરોધમાં નવ હજાર વાહનો ફૂંકી મરાયા હતા. પોલીસના મતે, કાર બાળવાના બહાને યુવાનો ગુનાઈત કૃત્યો છુપાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો ખરાબ થઈ ગયેલા વાહનોના વીમા દાવા પણ આ રીતે કરવાનો પ્રયાસ કરે છે.