નીસ: ફ્રાન્સના નીસમાં ૧૫મી જુલાઈએ ફ્રેન્ચ રિવેરા રિસોર્ટ પાસે આતંકીઓએ માતેલા સાંઢની જેમ ભારે મેદની પર ટ્રક ચલાવી નાંખ્યો હતો અને એ પછી ફાયરિંગ કર્યું હતું. આ હુમલા વખતે ત્યાં ૧૯૪ જેટલાં લોકો હાજર હતા જેમાંથી ૮૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આશરે ૧૨૦ લોકો ઘાયલ થયાં છે જેમાંથી ૫૦ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. મૃત્યુ પામનારાં લોકોમાં ૧૦ બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ છે. હુમલાખોરની ઓળખ મહોમ્મદ લાહોએઝ બુહેલ (૩૧) તરીકે થઈ છે. તે ફ્રાન્સનો જ વતની છે અને તે ISISનો આતંકવાદી હોવાનું મનાઈ રહ્યું છે.
હુમલાની વિગત
આ ટ્રક હુમલો ફ્રાન્સના નીસ શહેરના પ્રોમિનેડ દેસ આંગલેસમાં થયો હતો. અહીં લોકો મોટી સંખ્યામાં આતશબાજી જોવા માટે ભેગા થયા હતા. હુમલાખોર ભીડથી ભરેલી સડક પર ટ્રક ચલાવીને ૨ કિલોમીટર સુધી લોકોને કચડતો ગયો હતો. એક બાઈક સવારે કૂદીને ટ્રક પર ચડવાની કોશિશ કરી, પણ તે નિષ્ફળ રહ્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસે ટ્રક પર ફાયરિંગ કરીને હુમલાખોરને ઠાર માર્યો હતો. જોકે ત્યાં સુધીમાં આશરે ૮૪ લોકો કચડાઈ ગયા હતા અને ૧૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ૬૦-૭૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે આતંકીએ ૩૦ મિનિટ સુધી ટ્રક દોડાવી નિર્દોષ લોકોનો ખુડદો બોલાવી દીધો હતો. આતંકવાદીએ લોકોને ટ્રકથી કચડયા બાદ, ફાયરિંગ કર્યું હતું. ૨ કિલોમીટર સુધી લોહી અને લાશો પથરાયાં હતાં. ૧૨૦ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૧૦ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
રસ્તા પર લોહી નિંગળતી લાશો
ફ્રાન્સના ઓફિસરોએ કહ્યું છે કે હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો બાસ્તીલ ડે પર આતશબાજી જોવા આવ્યા હતા. ત્યાં ખૂબ જનમેદની હતી. લોકો પોતાના પરિવાર સાથે આવ્યા હતા. એકાએક ટ્રક લોકો પર ચડી ગયો અને લોકો છુંદાતાં ગયા. જોતજોતામાં તો આ જગ્યાએ લાશોનો ઢગલો થઈ ગયો અને માતમ છવાઈ ગયો. નજરે જોનારા એક વ્યક્તિના જણાવ્યા મુજબ સમુદ્ર કિનારે એક સફેદ ટ્રક પૂરપાટ ભીડમાં આવી અને લોકો પર ચાલતી ગઈ. લોકો કચડાતા ગયા અને શરીરના ટુકડા આમતેમ ઉડવા લાગ્યાં.
તમામ ભારતીયો સુરક્ષિત
નીસ શહેરમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ભારતીય મૂળની હરજિત સારંગ નામની મહિલા પતિ અને બાળકો સાથે હુમલા વખતે નીસ શહેરમાં જ હાજર હતી. જોકે તેઓ તમામ સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયે ભારતીય દૂતાવાસનો હેલ્પ લાઈન નંબર +૩૩-૧-૪૦૫૦૭૦૭૦ જાહેર કર્યો છે.
ટ્રકમાંથી બંદૂક અને હથિયારો મળ્યા
ફ્રાન્સની પોલીસના જણાવ્યા મુજબ ટ્રકમાંથી મોટી સંખ્યામાં બંદૂકો અને હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત ફ્રેન્ચ-ટ્યુનિશિયાઈ ઓળખપત્ર પણ મળ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદેએ આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઘટના પર આતંકવાદની સ્પષ્ટ છાપ દેખાય છે. આ ઘટનાના કારણે ફ્રાન્સમાં લાગુ કરવામાં આવેલી ઈમરજન્સીમાં ત્રણ મહિનાનો વધારો કરી દેવાયો છે.
ઇમરજન્સી ૩ મહિના લંબાવાઈ
આ અગાઉ નવેમ્બર ૨૦૧૫માં ISIS દ્વારા પેરિસમાં થયેલા હુમલામાં ૧૩૦ લોકોનાં મોત થયાં હતાં. ૮ મહિનાની અંદર આ બીજો મોટો આતંકવાદી હુમલો છે. છેલ્લા ૧૯ મહિનામાં ૮ આતંકી હુમલા થયા છે. જેમાં ૨૩૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલાને પગલે ૮ મહિનાથી ફ્રાન્સમાં લાગુ ઇમરજન્સીને ૩ મહિના માટે લંબાવી દેવાઈ છે. તેમજ દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર કરાયો છે આ ઘટનાના થોડા કલાકો પહેલાં ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સ્વા ઓલાંદેએ દેશવાસીઓને કરેલા સંબોધનમાં થોડા દિવસોમાં ઇમરજન્સી પૂર્ણ થવાની વાત કરી હતી. ૨૬ જુલાઈના રોજ આ ઇમરજન્સી પૂર્ણ થઈ રહી હતી.
સુરક્ષામાં નબળાઈ
ટ્રકમાં આઇસ્ક્રિમ છે તેમ કહીને પોલીસને હાથતાળી આપી હતી. આઠ મહિના પહેલાં થયેલા મોટા આતંકવાદી હુમલા અને દેશમાં ઇમરજન્સી લાગુ હોવા છતાં ફ્રાન્સની સુરક્ષામાં ગાબડાં જોવા મળ્યા હતા. નેશનલ ડેના સેલિબ્રેશનને કારણે બપોરે ત્રણ વાગ્યે પોલીસે મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો, પરંતુ આતંકીએ બપોરે ૨ વાગ્યેથી જ ટ્રકને આ વિસ્તારમાં પાર્ક કરી દીધી હતી. પોલીસે મહોમ્મદની પૂછપરછ કરી હતી કે તે ટ્રકમાં તે શું લઈ જઈ રહ્યો છે ત્યારે તે ટ્રકમાં આઇસ્ક્રિમ છે તેમ કહીને ત્યાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે જો ટ્રકની તપાસ કરી હોત તો કદાચ આ હુમલો અટકાવી શકાયો હોત.
ISISએ ઉજવણી કરી
એક તરફ ફ્રાન્સની સિક્યુરિટી ઓથોરિટીએ નાગરિકોને તેમનાં ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી છે તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે ક્રૂર આતંકી ગ્રુપ ISISએ આ ઘટનાનો જશ્ન મનાવ્યો છે. ફ્રાન્સ માધ્યમોના અહેવાલ મુજબ આ હુમલાની જવાબદારી ISISએ લીધી છે.
મદદ માટે ઓબામાએ હાથ લંબાવ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, ફ્રાન્સના નીસમાં થયેલો હુમલો આતંકી હુમલો દેખાઈ રહ્યો છે. ફ્રાન્સને આ આતંકવાદીઓની તપાસ માટે કોઈ પ્રકારની મદદ જોઈએ તો યુએસ મદદ કરવા માટે તૈયાર છે.
ભારત ફ્રાન્સ સાથે ખભાથી ખભો મિલાવી ઊભો છે
આ ઘટના પછી ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે, હું આવા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓની આકરી નિંદા કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, નીસમાં થયેલા હુમલાથી સ્તબ્ધ છું. હું આ પ્રકારની હિંસક ઘટનાઓની નિંદા કરું છું, ભારત આ દુઃખના સમયમાં ફ્રાન્સના ભાઈ-બહેનો સાથે અડગપણે ઊભો છે.