પેરિસઃ ફ્રાન્સમાં પહેલાં ઈંધણ અને હવે પેન્શન નીતિઓના વિરોધમાં લોકો સરકાર સામે જગે ચડ્યાં છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેનુઅલ મેક્રોન તેમના કાર્યકાળ દરમિયાનની સૌથી મોટી હડતાળનો સામનો કરી રહ્યાં છે. પ્રમુખ મેક્રોનની પેન્શન સુધારા નીતિનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પાંચમીએ આ નીતિના વિરોધમાં પ્રદર્શન શરૂ થયાં હતાં. લોકોનાં દેખાવને ધ્યાનમાં લઈને રેલવે, ટ્રાફિક, સ્કૂલ-કોલેજ, અંડરગ્રાઉન્ડ ટ્રેન, બજાર, ઓફિસ બધું બંધ કરાયું હતું. દેશમાં રેલ સેવાઓ લગભગ ઠપ્પ થઈ હતી. ૮૨ ટકા ડ્રાઇવર હડતાળમાં જોડાયા હતા. ૯૦ ટકા ટ્રેનને રદ કરવી પડી હતી. પેરિસમાં ૧૬માંથી ૧૧ મેટ્રો લાઈનોને બંધ કરી દેવાઈ હતી. પ્રદર્શનકારોએ નેન્ટિસ શહેરમાં ભારે તોડફોડ કરી હતી. તેમને વિખેરવા પોલીસને ટીયરગેસનો મારો ચલાવવો પડ્યો હતો.