પેરિસઃ આશરે 265 વર્ષ પહેલા ફ્રાન્સના સૈનિકોના પરિવારજનોએ લખેલા પત્રો હવે પહેલીવાર પ્રદર્શન માટે ખોલવામાં આવ્યા છે. હકીકતમાં આ પત્રો 18મી સદીના મધ્યમાં ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે 1756થી 1763 સુધીના સાત વર્ષના યુદ્ધ દરમિયાન લખવામાં આવ્યા હતા. પરંતુ યુદ્ધના વિકટ સંજોગોને કારણે તે પત્રો ખલાસીઓ સુધી પહોંચી શક્યા ન હતા. આ પત્રો રોયલ બ્રિટિશ નેવી દ્વારા જપ્ત કરાયા હતા, પરંતુ હવે આ ઘટનાના લગભગ 265 વર્ષ બાદ તે પત્રો સમાચારમાં છે. આ પત્રોની સંખ્યા 100 જેટલી છે. ત્યારથી આ પત્રોને નેશનલ આર્કાઈવ્સમાં રાખવામાં આવ્યા હતા.
59 ટકા પત્રો પર મહિલાઓની સહી
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રેનોડ મોરિક્સે પહેલીવાર આ પત્રો ખોલીને વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોરિસ કહે છે કે આ પત્ર માત્ર ફ્રાન્સના જ નહીં પરંતુ સમગ્ર માનવ સભ્યતાનો એક સારો અનુભવ છે. આ પત્રો દર્શાવે છે કે કેવી રીતે પ્રિયજનોથી દૂર રહીને જીવનના પડકારોનો સામનો કરવામાં આવે છે. આ પત્રોમાં લાલ મીણની સીલ છે. આ પત્રોમાં લગભગ 59 ટકા મહિલાઓની સહી છે. તેમાંના મોટા ભાગના સૈનિકોની પત્નીઓ હશે. આ પત્રો દ્વારા 18મી સદીના સમયગાળાને ડીકોડ કરી શકાય છે. આજે આપણી પાસે ઝૂમ - વોટ્સએપ છે, પરંતુ તે જમાનામાં પત્રવ્યવહાર જ સંદેશ વ્યવહારનું એકમાત્ર માધ્યમ હતું.