દુબઈ, મુંબઈઃ ભારતીય કે એશિયન વસાહતીઓ વતનની મુલાકાત લીધા પછી ગલ્ફના દેશોમાં પરત ફરે ત્યારે તેમના ચેક-ઈન બેગેજમાં અથાણાં, ઘી સહિતની વસ્તુઓ લઈ જાય તે સર્વસામાન્ય બાબત છે. જોકે, હવે તેઓ પોતાના સામાનમાં આવી વસ્તુઓ લઈ જઈ શકશે નહિ. આમ કરવા બદલ તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ભારતથી હવાઈમાર્ગે યુએઈનો પ્રવાસ કરતી વેળાએ ફ્લાઈટમાં કઈ વસ્તુઓ લઈ જવા દેવાશે નહિ તેની યાદી સત્તાવાળાઓએ જારી કરી છે.
ભારત-યુએઈ એર કોરીડોર સૌથી વ્યસ્ત હવાઈમાર્ગોમાં એક બન્યો છે તેમજ બિઝનેસ, ટુરિઝમ અને રોજગારીના હેતુસર ગલ્ફના પ્રવાસે જતાં ભારતીયોની સંખ્યામાં ગણનાપાત્ર વધારો થયો છે ત્યારે આ પગલું લેવાયું છે. હવે તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે મુલાકાતીઓનો પ્રવાહ હજુ વધતો રહેવાનો છે. આવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જનારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર્સના કારણે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક-ઈન બેગેજને રીજેક્ટ કરી દેવાના કેસીસમાં ઉછાળો આવ્યો છે.
સૂકાં કોપરાંથી માંડી ફટાકડા સુધીની જોખમી આઈટમ્સ
ચેક-ઈન બેગેજમાં સામાન્યપણે મળી આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓમાં સૂકાં નાળિયેર (કોપરાં), ફટાકડા, મેચબોક્સીસ, પેઈન્ટ, કપૂર, ઘી, અથાણાં અને અન્ય તૈલી ફૂડ આઈટમ્સનો સમાવેશ થાય છે. સામાન્યપણે મળી આવતી અન્ય વસ્તુઓમાં ઈ-સિગારેટ્સ, લાઈટર્સ, પાવર બેન્ક્સ અને સ્પ્રે બોટલ્સનો સમાવેશ થતો હોય છે. આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ હોવાનું જાણતા ન હોવાથી ઘણા પેસેન્જર્સ તેને સામાનમાં લેતા આવે છે. આ વસ્તુઓ જોખમ ઉભું કરે છે. આ આઈટમ્સનો વિસ્ફોટ થઈ શકતો હોવાના કારણે કોઈ અકસ્માતની તીવ્રતાને વધારી શકે છે.
માત્ર ગયા વર્ષના એક જ મહિનામાં પેસેન્જર્સના ચેક-ઈન બેગેજમાં 943 સૂકાં કોપરાં મળી આવ્યા હતા. સૂકાં કોપરાંમાં ઊંચા પ્રમાણમાં ઓઈલ હોવાથી તેના કારણે આગ લાગી શકે છે. ભારતના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા માર્ચ 2022માં પ્રતિબંધિત ચીજવસ્તુઓની યાદીમાં સૂકાં નાળિયેર (કોપરાં)નો સમાવેશ કરાયો હતો. આમ છતાં, મોટા ભાગના પ્રવાસીઓ તેના વિશે પૂરતી જાણકારી ધરાવતા નથી.
ચેક-ઈન બેગેજના રીજેક્શનમાં થતો વધારો દર્શાવે છે કે ફ્લાઈટ્સમાં પ્રતિબંધિત અથવા જોખમી આઈટમ્સ બાબતે સામાન્ય પેસેન્જરમાં પૂરતી જાગૃતિ નથી સત્તાવાળાઓએ હવે એરપોર્ટ્સ કે એરલાઈન્સ દ્વારા જોખમી અને પ્રતિબંધિત આઈટમ્સ વિશે જારી કરાયેલી ગાઈડલાઈન્સને બરાબર જાણવા અને સમજવાને પ્રાધાન્ય આપવા પ્રવાસીઓને અનુરોધ કર્યો છે.
ચેક-ઈન બેગેજના સ્ક્રીનિંગની પ્રોસેસ
ચકાસણી કરાયેલા માલસામાનની કુલ બેગ્સની સરખામણીએ રીજેક્ટ કરાયેલા સામાનનું પ્રમાણ વધ્યું છે. ડિસેમ્બર 2022માં 0.31 ટકા બેગ્સ રીજેક્ટ કરાઈ હતી તેની સામે મે 2023માં આ પ્રમાણ વધીને 0.73 ટકા થયું હતું. મુંબઈ એરપોર્ટ બેગેજ સિસ્ટમમાં 8 કિલોમીટરનો બેગેજ બેલ્ટ છે જેના થકી ટર્મિનલ 2 પર પ્રતિ કલાક 9,600 બેગ્સ અને ટર્મિનલ 1 પર પ્રતિ કલાક 4,800 બેગ્સનું હેન્ડલિંગ કરવામાં આવે છે.
કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની યાદીઃ • સૂકાં નાળિયેર (કોપરાં) • પેઈન્ટ • કપૂર • ઘી • અથાણાં • તેલવાળા ખાદ્યપદાર્થો • ઈ-સિગારેટ્સ • લાઈટર્સ • ફટાકડા • મેચબોક્સીસ • પાવર બેન્ક્સ • સ્પ્રે બોટલ્સ