નવી દિલ્હીઃ કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનનાં કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનું છે. પાકિસ્તાને તેનો કબજો છોડવો જોઈએ અને બલૂચિસ્તાન અને પીઓકેમાં પોતે જે અત્યાચાર કરે છે તે રોકવા જોઈએ. પાક. દ્વારા બલૂચમાં થતા માનવઅધિકારોના ભંગ અંગે પાકિસ્તાને વિશ્વને જવાબ આપવો જોઈએ. મોદીના આ નિવેદન બાદ બલૂચિસ્તાનમાં ભારતના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ થયા છે અને ત્યાંના નાગરિકોએ મોદીને પોતાનો અવાજ બનવાની માગ કરી છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાનાં નેતૃત્વ હેઠળનાં પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાતમાં ૨૨મીએ મોદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં હિંસા મુદ્દે બંધારણનાં માળખામાં રહીને સમસ્યાનું કાયમી સમાધાન શોધવાની જરૂર છે. આ હિંસામાં જીવ ગુમાવી ચૂકેલાઓ આપણા જ છે. આપણા યુવાનો, સલામતીદળના જવાનો અને પોલીસના જીવ જાય તે ઘેરી ચિંતાનો વિષય છે. તો આ બધા વચ્ચે ૫૭ સભ્યોનાં બનેલાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઔઇસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)ના મહામંત્રી ઇયાદ મદનીએ જણાવ્યું છે કે, કશ્મીરમાં થતી હિંસા ભારતનો આંતરિક મુદ્દો નથી. આ નિવેદન પછી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન ભારતનાં ધૈર્યની કસોટી ના કરે.
૪૫મા દિવસે પણ કર્ફ્યુ
શ્રીનગરમાં ૪૫મા દિવસે પણ સંચારબંધી અમલી રહી. અશ્રુવાયુનો મારો થતાં ૨૧ ઓગસ્ટના રોજ અહીં એક યુવકનું મૃત્યુ થયું હતું. મૃત્યુઆંક તે સાથે ૬૫ને આંકડે પહોંચ્યો હતો. પમ્પોરમાંથી સંચારબંધી ઉઠાવી લેવાઈ છે.
કાશ્મીરમાં બીએસએફ તેનાત
ગૃહ પ્રધાન રાજનાથ સિંહની હિંસાના નિરાકરણ માટે કાશ્મીર મુલાકાત માટે મોદી સરકાર આશાવાદી છે ત્યારે કાશ્મીરમાં સ્થિતિ કાબૂ બહાર જતાં BSFનો ઉપયોગ કરવો પડયો છે. ૧૨ વર્ષ બાદ એવું બન્યું છે કે બીએસએફની મદદ લેવી પડી છે. ૨૦૦૪માં પણ કાશ્મીરમાં સ્થિતિ કાબૂ બહાર જતા બીએસએફ તેનાત કરવામાં આવી હતી.
‘કાશ્મીર અભિન્ન અંગ’
બલૂચિસ્તાનની આઝાદી માટે ચળવળ ચલાવી રહેલા ૨૫ વર્ષની ઉંમરના મઝદાક દિલશાન બલૂચે ભારત મુલાકાતમાં કહ્યું હતું કે મોદીએ બલૂચિસ્તાનમાં થઈ રહેલા નરસંહારનો મુદ્દો ઉઠાવીને વિરાટ પગલું લીધું છે. વિશ્વના અન્ય નેતાઓએ પણ તેમને અનુસરવા જોઈએ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
બલૂચમાં ભારતને સમર્થન
મોદીએ બલૂચ માટે આપેલા નિવેદનના પગલે પાક-અફઘાન સરહદે બલૂચિસ્તાનમાં ૨૦મીએ લોકોએ ભારતના સમર્થનમાં નારા લગાવ્યા અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી દીધો. તેના તુરંત બાદ બન્ને દેશોની સરહદ બંધ કરીને ત્યાં સૈન્ય ખડકી દેવાયું હતું તો મોદીથી પ્રભાવિત બલૂચ નેતાઓએ પાક.ની ઝાટકણી કાઢી છે. બલૂચ નેશનલ મૂવમેન્ટનાં અધ્યક્ષ ખલીલ બલૂચે ૨૦મીએ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ધાર્મિક આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. જેનાં પરિણામો ખરાબ આવી શકે. અમને આશા છે કે પાકિસ્તાનનાં કબજાનાં ૬૮ વર્ષમાં અને પાકિસ્તાનથી આઝાદ થવાના પાંચ યુદ્ધ પછી બલૂચો પર જે અત્યાચારો થયા છે તેવા માનવતા વિરોધી અપરાધો માટે પાકિસ્તાનને જવાબદાર ગણાય અને આ કામ માટે અમેરિકા અને યુરોપનાં દેશો પીએમ મોદીને મદદ કરે. નોધનીય છે કે મોદીનું સમર્થન કરવાના આરોપમાં બલૂચિસ્તાનના ત્રણ નેતાઓ બ્રહમદાગ બુગતી, હરબિયાર મારી અને બનુક કરિમા બલોચ સામે પાંચ જુદા-જુદા કેસ કરવામાં આવ્યા છે.