નવી દિલ્હીઃ ફ્રેન્ચ ફેશન ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેની અંદાજિત નેટવર્થ ૧૮૬.૩ બિલિયન ડોલર છે તેમ ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટમાં જણાવાયું હતું. લૂઇ વિટન મોટ હેનેસી (LVMH)ના ચેરમેન બર્નાર્ડ હવે અત્યાર સુધી વિશ્વના સૌથી ધનિક ગણાતા જેફ બેઝોસની ૧૮૬ બિલિયન ડોલરની નેટવર્થની સરખામણીએ ૩૦ કરોડ ડોલર આગળ થઇ ગયા છે.
ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ૧૪૭.૩ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમ પર આવી ગયા છે. ફોર્બસના અહેવાલો અનુસાર માર્ચ ૨૦૨૦માં ૭૨ વર્ષના આર્નોલ્ટની નેટવર્થ ૭૬ બિલિયન ડોલર નોંધાઇ હતી તે પાછલા ૧૪ મહિના દરમિયાન ૧૧૦ બિલિયન ડોલર ઊછળીને ૧૮૬.૩ બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.
બર્નાર્ડની નેટવર્થમાં અસાધારણ ઉછાળા માટે તેની લકઝરી બ્રાન્ડ લૂઇ વિટનનો રોગચાળા દરમિયાન અસાધારણ દેખાવ જવાબદાર હતો. તાજેતરમાં જ તેમની નેટવર્થ જેફ બેસોઝને સમાંતર થઈ ગઈ હતી. સોમવારે ટ્રેડિંગના પ્રથમ કલાકમાં LVMH ૦.૪ ટકા વધ્યો હતો જેને પરિણામે તેનું બજારમૂલ્ય ૩૨૦ બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું અને તેને પરિણામે બર્નાર્ડની નેટવર્થમાં ૬૦ કરોડ ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
શેર્સની ફાયદાકારક ખરીદી
ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર રેન્કિંગ વિશ્વના ટોચના ધનિકોની નેટવર્થના રોજના વધારા ઘટાડાને ટ્રેક કરે છે. આર્નોલ્ટે તાજેતરના મહિનાઓ દરમિયાન વિશ્વની સૌથી મોટી લકઝરી ગૂડ મેકર LVMH ના આશરે ૪૪ કરોડ યૂરો (૫૩.૭ કરોડ ડોલર)ની કિંમતના શેર્સ ખરીદ્યા હતા.
હવે યુરોપિયન બિલિયોનેર ટોચના સ્થાને
પાછલા ઘણા વર્ષોથી ફોર્બસ બિલિયોનેર્સની યાદીમાં ટોચ પર અમેરિકન્સનું આધિપત્ય જળવાયેલું રહ્યું છે. પાછલા બે દાયકા દરમિયાન અમેરિકન નાગરિકો બેઝોસ, મસ્ક, ગેટ્સ અને બફેટે નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું હતું, જેમાં ફક્ત મેક્સિકોનો કાર્લોસ સ્લિમ જ વચ્ચે વચ્ચે તેમના આધિપત્યને ડોલાવી જતો હતો. સદીની શરૂઆતથી ઘણા યુરોપિયન ધનિકોએ ટોચના દસમા પ્રવેશ મેળવ્યો છે પણ ક્યારે પણ નંબર એકની જાવેદારી કરી શક્યા નથી. ૧૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૨૦૦૫માં ટોચના ૧૦માં સ્થાન મેળવનારા આર્નોલ્ટ ૨૦૧૮થી ટોચના પાંચમાં છે. ૨૦૧૯માં ત્રીજા ક્રમ પર પહોંચ્યો હતો.