ક્વેટાઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં જિલ્લા સોબમાં ૨૦૦ વર્ષ જૂનું મંદિર નવમી ફેબ્રુઆરીએ હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ૭૦ વર્ષ બાદ આ મંદિર હિન્દુ સમુદાયને મળી ગયું છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેમાં એક સ્કૂલ ચાલતી હતી જે હવે અહીંથી ખસેડવામાં આવી છે. ચાર ઓરડાના આ મંદિરની ચાવી એક સમારોહમાં હિન્દુ સમુદાયના નેતાઓને સોંપવામાં આવી હતી. સમારોહ મંદિરની સામે યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આમાં અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયોના સભ્યો, સામાજિક અને રાજકીય સંગઠનોના સભ્યો જોડાયા હતા. સોબની સેન્ટ્રલ મસ્જિદના ઇમામ અને જમાયતે ઉલેમા એ ઇસ્લામનાં નેતા મૌલાના અલ્લાહ દાદ કકર સમારોહના મુખ્ય અતિથિ હતા. મૌલાના કાકરે સ્થાનિક હિન્દુ પંચાયતના પ્રમુખ સલીમ જાનને મંદિરની ચાવી સોંપી હતી. આ પ્રસંગે આ વિસ્તારના ડેપ્યુટી કમિશનર તાહા સલીમે જણાવ્યું કે, બલુચિસ્તાન, ખાસ કરીને સોબ માટે આ એક ખાસ અને ઐતિહાસિક દિવસ છે.
મૌલાના કાકરે મંદિરને હિન્દુ સમુદાયને પાછા આપવાના સરકારના નિર્ણયને ટેકો આપ્યો જ હતો, પરંતુ તેમણે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. સાંપ્રદાયિક સુમેળનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
ડેપ્યુટી કમિશનરે પણ છેલ્લા ૭૦ વર્ષમાં આ મંદિર પાછું ન આપવા બદલ હિન્દુ સમુદાયની માફી માગી હતી. તેમણે કહ્યું કે મંદિરને તેના મૂળ સ્વરૂપે પુન:સ્થાપિત કરાશે. સમારકામ અને શણગાર પછી હિન્દુઓ મંદિરમાં પ્રાર્થના કરી શકશે.
સ્થાનિક હિન્દુ પંચાયતના પ્રમુખ સલીમ જાને કહ્યું હતું કે, ૨૦૦ વર્ષ જૂનું છે. પાકિસ્તાન બન્યા બાદ મોટા ભાગના હિન્દુઓ ભારતમાં સ્થળાંતર થયા હતા, પરંતુ શહેરમાં હજી પણ હિન્દુઓની સારી વસ્તી છે. તેમણે કહ્યું કે હવે આ વિસ્તારના હિન્દુઓ માટીના મકાનમાં પ્રાર્થના કરે છે જે કોઈપણ સમયે પડી શકે છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં બલુચિસ્તાન હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જમાલખાન મંડોખેલ સોબ આવ્યા હતા. ત્યારે હિન્દુ સમુદાયે તેમને મંદિર પાછું મળે તેવી અપીલ કરી હતી.
ન્યાયાધીશે તેમને ખાતરી આપી હતી કે મંદિર સમુદાયને પરત મળશે. તેમણે કહ્યું હતું કે સ્થાનિક શીખ સમુદાય પણ લાંબા સમયથી તેમના ગુરુદ્વારોથી વંચિત છે અને તેમની ધાર્મિક વિધિ કરવા માટે તેમની પાસે કોઈ સ્થાન નથી. ગુરુદ્વારામાં પણ એક શાળા ચાલે છે.