ઢાકાઃ બાંગલાદેશમાં કેટલાક હુમલાખોરોએ સવારે લટાર મારવા નીકળેલા એક હિન્દુ આશ્રમકર્મીની ૧૦મી જૂને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાંગલાદેશમાં લઘુમતી મનાતા હિન્દુઓ પર આ પ્રકારનો બીજો હુમલો છે જ્યારે છેલ્લા અઠવાડિયામાં આ પ્રકારની ચોથી ઘટના છે. પોલીસ અધિકારી સલીમ ખાને આ અંગે જણાવ્યું હતું કે, હિમાયતપુરધામ આશ્રમના ૬૦ વર્ષના નિત્યરંજન પાંડે પર ઘણા લોકોએ મળીને હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલાખોરોએ તેમની ગરદન પર પણ ઘા કર્યા હતા. એક સ્થાનિક ચેનલ અનુસાર પાંડે છેલ્લાં ૪૦ વર્ષથી આશ્રમમાં સ્વંસેવક તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ નિયમિત ચાલવા જતા હતા તે દરમિયાન જ તેમના પર હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલાં બાંગલાદેશમાં શંકાસ્પદ આઈએસના આતંકવાદીઓ દ્વારા મંદિરના પૂજારીની હત્યા કરાઈ હતી. આ આતંકવાદી સંગઠને હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
બાંગલાદેશમાં ૩૦૦૦ની અટકાયત
આતંકવાદી સંગઠન આઈએસએ બાંગલાદેશમાં ૧૨મી જૂને આશ્રમના હિન્દુ પૂજારી નિત્યરંજન પાંડેની થયેલી હત્યાની જવાબદારી સ્વીકારી છે. બાંગલાદેશમાં બિનસાંપ્રદાયિક કાર્યકરો અને લઘુમતીઓની આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાને પગલે દેશમાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ ૩૦૦૦ લોકોની ધરપકડ કરાઈ છે. આઈએસ સાથે સંકળાયેલી અમાક ન્યુઝ એજન્સીએ અરબી ભાષામાં આપેલા ટૂંકા સંદેશમાં જણાવ્યું છે કે, બાંગલાદેશમાં આઈએસના લડવૈયાઓએ બાંગલાદેશની ઉત્તરમાં આવેલા પબનામાં હિન્દુ પુરુષની હત્યા કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ લઘુમતીઓ અને બિનસાંપ્રદાયિક કાર્યકરો પર હુમલા અટકાવવા માટે પ્રતિબંધિત સંગઠનના સભ્યો સહિત કુલ ૩૦૦૦ લોકોની અટકાયત કરી છે.
બાંગલાદેશમાં ૮૫ આતંકીઓ સહિત વધુ ૨૧૨૮ની ધરપકડ
બાંગલાદેશમાં બિનસંપ્રદાયિક લોકો અને લઘુમતીઓ પર થઇ રહેલા હુમલાઓને રોકવાના પ્રયાસના એક ભાગરૂપે ઇસ્લામી ઉગ્રવાદી પર ત્રાટકીને પોલીસે ૮૫ આતંકીઓ સહિત ૫૩૦૦ લોકોની ધરપકડ કરી હતી, એમ પોલીસે ૧૩મી જૂને જણાવ્યું હતું. આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં ૨૧૨૮ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં ૪૮ વિવિધ જૂથો સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
૧૦મી જૂન સવારથી આ અભિયાનની શરૂઆત થઈ ત્યારથી ૮૫ આતંકીઓ સહિત ૫૩૦૦ જણાની ધરપકડ કરાઈ હતી, એમ પોલીસે કહ્યું હતું. નવમીએ પોલીસ વડા શહીદુલ હસનના વડપણ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી બાંગલાદેશમાં ધરપકડનો દોર શરૂ થયો હતો. આતંકવાદી વિરોધી અભિયાનમાં અર્ધ લશ્કરી દળો, બોર્ડર ગાર્ડ અને ક્રાઇમ શાખા તેમજ રેપિડ એકશન બટાલિયનનો સમાવેશ થતો હતો. બાંગલાદેશમાં અનેક વખત ઇસ્લામી સંગઠનો દ્વારા હુમલા કરાયા હતા. ભારતીય ઉપખંડમાં આઇએસ અને અલ કાયદાએ પણ કેટલાક હુમલા કર્યા હોવાના દાવા કર્યા હતા. જોકે સરકારે આવા કોઇ જ જૂથ બાંગલાદેશમાં હોવાનો ઇનકાર કર્યો હતો.
૪૦ લઘુમતીઓની હત્યા
બાંગલાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલામાં ફેબ્રુઆરીમાં આતંકવાદીઓ દ્વારા એક મંદિરના પૂજારીની ધારદાર હથિયાર વડે નૃશંસ હત્યા કરી હતી અને તેમની મદદે આવેલા એક શ્રદ્ધાળુને માર મારતાં ઘવાયો હતો. એ પછી તેમણે એક ઉદારવાદી પ્રોફેસરની ગળું કાપી કરપીણ હત્યા કરી હતી. એક હિન્દુ દરજીની દુકાનમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ ઉપરાંત કટ્ટરપંથીઓએ બાંગલાદેશની પ્રથમ સમલૈંગિક સામયિકના તંત્રીને ઢાકાના તેમના ફ્લેટ પર તેમના મિત્ર સાથે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ જાન્યુઆરીથી અત્યાર સુધી ૪૦ જેટલા લઘુમતીઓની હત્યા કરી છે.
હત્યાનો સિલસિલો
સાતમી જૂને આતંકવાદીઓએ પૂજારીનું માથું કાપી કરપીણ હત્યા કરી હતી. તાજેતરના મહિનાઓમાં લઘુમતીઓ, ધર્મનિરપેક્ષ બ્લોગરો અને વિદેશીઓને ટાર્ગેટ બનાવી હુમલાની ઘટનાઓમાં ઓચિંતો વધારો થયો છે. આ પહેલાં એક ટોચના આતંકવાદ નિવારણ પોલીસ અધિકારીની પત્નીની હત્યા થઈ હતી. ત્યારબાદ હથિયારો સાથે આવેલા અજાણ્યા હુમલાખોરોએ ક્રિશ્ચિયન વેપારી પર હુમલો કરી હત્યા કરી હતી.
હિન્દુઓને સલામતી આપોઃ રાજન ઝેડ
બાંગલાદેશમાં એક જ અઠવાડિયામાં બે હિન્દુઓની કરપીણ હત્યાના કારણે વિશ્વભરના હિન્દુઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુસમના પ્રમુખ રાજન ઝેડે યુએસએના નેવાડામાં નિવેદન આપ્યું છે કે, વિશ્વભરના હિન્દુઓ માટે આ ચોંકાવનારી ઘટના છે. વિશ્વભરમાં હિન્દુઓને મહેનતી અને શાંતિપ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. બાંગલાદેશમાં કુલ વસ્તીના આશરે આછથી નવ ટકા હિન્દુઓ વસે છે. બાંગલાદેશી હિન્દુઓનું આ દેશ અને દુનિયામાં અનેક ક્ષેત્રે આગવું પ્રદાન પણ રહ્યું છે. આ સાથે રાજને બાંગલાદેશના પ્રમુખ મહંમદ અબ્દુલ હમીદ તથા વડા પ્રધાન શેખ હસીનાને વિનંતી કરી છે કે તેઓ પોતાના દેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલા અને હિન્દુઓની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈને હિન્દુઓની સલામતીના પગલાં ભરે. રાજને હમીદ અને હસીનાને સૂચન કર્યું છે કે, બાંગલાદેશમાં વસતા હિન્દુઓની તેઓ મુલાકાત લે અને તેમને સાંત્વના આપે કે તેઓ આ દેશમાં સલામત છે.