બગદાદઃ આઈએસ દ્વારા બાંગ્લાદેશમાં આતંકી હુમલાના ગણતરીના દિવસોમાં જ ઇરાકની રાજધાની બગદાદમાં આઇએસ દ્વારા બે બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં આશરે ૧૭૦ લોકો માર્યા ગયા છે અને ૨૦૦ જેટલા ઘવાયા છે. આઇએસએ આ બ્લાસ્ટ શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવીને કર્યા હતા. આ બ્લાસ્ટ શિયા બહુમતી ધરાવતા કરાડામાં થયા હતા. કારમાં આ બ્લોમ્બ ફિટ કરાયો હતો, બ્લાસ્ટમાં ૧૭૦ જેટલા લોકો માર્યા ગયા હતા. શિયા મુસ્લિમો રમઝાન મહિનાની ઇફ્તારી માટે આ વિસ્તારમાં એકઠા થયા હતા. ઇરાકી સૈન્ય દ્વારા આઇએસને ખસેડમાં સફળતા મળી રહી છે જેનાથી ગુસ્સે થયેલા આતંકીઓએ આ વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો હતો. બ્લાસ્ટના તુરંત બાદ આઇએસ દ્વારા એક સંદેશો જારી કરાયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો શિયા મુસ્લિમોની હત્યા માટે જ કરાયો હતો. માર્યા ગયેલામાં મોટા ભાગના બાળકો છે.
બીજો વિસ્ફોટ પૂર્વી બગદાદમા કરાયો હતો. જેમાં આતંકીઓએ આઇઇડીનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૬થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ હુમલો થયો ત્યારે કેટલાક ઇફ્તારી બાદ ઇદની ખરીદી પણ કરી રહ્યા હતા. જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયા તે વિસ્તારમાં ભારે ભીડ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. આ હુમલો રમઝાન દરમિયાન કરવામાં આવ્યો હોવાથી અનેક ધર્મગુરુઓએ તેને વખોડી કાઢ્યો હતો.