બાંગ્લાદેશની આઝાદીના સત્યાગ્રહમાં હું ૨૨ વર્ષની ઉંમરે જોડાયો, ધરપકડ વહોરીને જેલમાં પણ ગયો હતો: મોદી

Tuesday 30th March 2021 07:15 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થયા પ્રસંગે થઇ રહેલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. ઢાકાના નેશનલ પરેડ સ્ક્વેર ખાતે સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આઝાદીની ચળવળને ભારતના દરેક વર્ગનું સમર્થન હતું. આ મારા જીવનના પ્રથમ આંદોલનો પૈકીનું એક છે.
તેમણે કહ્યું હતું કે મેં સત્યાગ્રહ કર્યો હતો અને ધરપકડ પણ વહોરી હતી. બાંગ્લાદેશની આઝાદી માટે મને જેલમાં જવાની તક મળી હતી. તે સમયે મારી ઉંમર ૨૦-૨૨ વર્ષ હશે. બાંગ્લાદેશની આઝાદી માટે જેટલો ઉત્સાહ અહીં હતો એટલો ભારતમાં પણ હતો. અહીં પાકિસ્તાનની સેનાએ જે જઘન્ય અત્યાચાર કર્યા, તે તસવીરો વિચલિત કરતી હતી.
બંગબંધુને ગાંધી શાંતિ પુરસ્કાર
વડા પ્રધાન મોદીએ ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ મુજીબૂર રહેમાનને વર્ષ ૨૦૨૦ માટેનો મરણોત્તર ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો.
બંગબંધુના પુત્રી શેખ રેહાનાએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. વડા પ્રધાન મોદી બાંગ્લાદેશ માટે કોરોના રસીના ૧૨ લાખ ડોઝ લઇને પહોંચ્યા હતા.
યુવાનો માટે સુવર્ણ જયંતી સ્કોલરશિપ
વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના યુવાનો માટે સુવર્ણ જયંતી સ્કોલરશિપની જાહેરાત કરી હતી. તે અંતર્ગત બાયોલોજી, કેમિસ્ટ્રી. એન્વાયર્મેન્ટલ સાયન્સ, એન્જિનિયરિંગ, મેથ્સ, મેડિસિન્સ અને ફિઝિક્સનાં ક્ષેત્રોમાં બાંગ્લાદેશના પ્રતિભાશાળી યુવા રિસર્ચરોને સ્કોલરશિપ અપાશે. વડા પ્રધાન મોદીએ ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ‘કેમ છો?’ કહીને મોદીએ દાઉદી વોહરા સમુદાયના પ્રતિનિધિઓનું અભિવાદન સ્વીકાર્યું હતું.
નવા એર ઇન્ડિયા વનમાં પ્રથમ ઉડાન
ભારત સરકારે અમેરિકાની તર્જ પર રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના પ્રવાસો માટે નવા બોઇંગ વિમાનો વસાવ્યાં છે. એર ઇન્ડિયા વન તરીકે ઓળખાતા વિમાનમાં શુક્રવારે પહેલી વાર સફર કરીને વડા પ્રધાન મોદી બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને દેશોનો વારસો, વિકાસ, લક્ષ્ય એકસમાન છે. બંનેએ સાથે મળીને આતંકવાદનો મુકાબલો કરવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter