ઢાકાઃ આ લીલીછમ તસવીર બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ૪૦૭ કિમીના અંતરે ઠાકુરગાંવ જિલ્લામાં આવેલા ૨૦૦ વર્ષ જૂના ઘટાદાર આંબાની છે. ૨૦૦ વર્ષ જૂના આ વૃક્ષમાં આજે પણ રસદાર કેરીનો મબલક થાય છે. બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં આજેય ઢગલાબંધ આંબાવાડીઓ જોવા મળે છે. બાંગ્લાદેશમાં ઉચ્ચ ગુણવત્તાની કેરીઓનું મોટા પાયે ઉત્પાદન થાય છે, અને તેમાં મોટા ભાગની કેરીઓ રાજશાહી, નવાબગંજ અને દિનાજપુરમાંથી આવે છે. દુનિયાભરના બજારોમાં તેની વ્યાપક માંગ રહે છે. બાંગ્લાદેશમાં વ્યવસાયિક રીતે પણ કેરી અત્યંત મહત્ત્વ ધરાવે છે. બાંગ્લાદેશના અનેક પરિવારોનું ગુજરાન કેરીના વેપારથી ચાલે છે. બાંગ્લાદેશમાં થતી કેરીની અન્ય જાતોમાં ફેઝલી, લંગડા, ગોપાલભોગ, હિમસાગર, ખિરસપત, ખિસનબોઘ, અશ્વિના, કુઆપહાડી, ફોરિયા, બોમ્બાઇ, કોહિનૂર પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં સૌથી વધુ કેરીના ઉત્પાદનમાં બાંગ્લાદેશ નવમા સ્થાને છે. બાંગ્લાદેશ દર વર્ષે ૧૧.૫ મિલિયન ટન કેરીનું ઉત્પાદન કરે છે.