વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી સંસદમાં આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઓગસ્ટ 2024માં પદ છોડયા પછી દેશમાં લઘુમતી પરના હુમલાના કિસ્સા વધ્યા છે. કૃષ્ણમૂર્તિએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને દમન વિરુદ્ધ અવાજ ઉઠાવવા ઊભો થયો છું. બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ વખતે 1971માં 30 લાખ લોકો માર્યા ગયા હતા. તેમાં મોટેભાગે હિંદુ હતા. આજે પણ બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના ઘર અને વ્યવસાય ખતમ કરાઈ રહ્યા છે.’