ઢાકાઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન બાદ બાંગ્લાદેશમાં પણ હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારે એક જ રાતમાં અસામાજિક તત્ત્વોએ 14 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી હિન્દુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે, અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા અને 14 મંદિરોની મૂર્તિઓની તોડફોડ કરી હતી. કેટલાંક મંદિરોની મૂર્તિઓ તો નજીકનાં તળાવોમાં ફેંકી દેવાઇ હતી. ગુનેગારોની ઓળખ હજુ બાકી છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તેઓ ઝડપથી પકડાઈ જાય.
આ તરફ હિન્દુ સમુદાયના નેતા અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર હંમેશાં આંતરધાર્મિક સૌહાર્દના ક્ષેત્ર તરીકે ઓળખાય છે, કારણ કે અહીં પહેલાં આવી કોઈ જઘન્ય ઘટના બની નથી. બાલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર ખૈરૂલ અનમે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે કેટલાંક ગામનાં મંદિરમાં હુમલો થયો હતો.
શું કહ્યું ઠાકુરગાંવ પોલીસે?
ઠાકુરગાંવના પોલીસ વડા જહાંગીર હુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, સ્પષ્ટ જણાય છે કે દેશની શાંતિપૂર્ણ પરિસ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ એક સુનિયોજિત હુમલો હતો. તેમણે કહ્યું કે, પોલીસે તરત જ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે. ઠાકુરગાંવના ડેપ્યુટી કમિશનર અથવા વહીવટી વડા મહબુર રહેમાને જણાવ્યું હતું કે, આ મામલો શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ વિરુદ્ધનું ષડયંત્ર હોય તેવું લાગે છે અને તે એક ગંભીર ગુનો છે.
હિન્દુઓ બાંગ્લાદેશમાં હતા અને રહેશેઃ ગૃહ પ્રધાન
હિન્દુ મંદિરોમાં હુમલા અંગે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુજ્જુમા ખાને સ્પષ્ટ જણાવ્યું હતું કે હિન્દુઓ બાંગ્લાદેશમાં હતા, છે અને રહેશે. તેમની સરકાર ધર્મનિરપેક્ષ સરકાર છે, તે કોઈ પણ પ્રકારના ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપતી નથી. તેમણે જણાવ્યું હતું કે, આ અમારી સરકાર સામેનો એક પ્રકારનો આતંકવાદ છે. આતંકવાદને અમારા દેશની સરકારે આશરો આપ્યો નથી. અમારી ઇસ્લામ આધારિત પાર્ટીઓને સામાન્ય લોકો નફરત કરે છે. કટ્ટરપંથીઓ ઇસ્લામના નામે જે સ્થાપવા માગે છે, તે ખોટું છે. અમે ઇસ્લામિક આતંકવાદનું સમર્થન કરતા નથી.