નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓના ધર્મગુરુઓની પોલીસ દ્વારા ખુલ્લેઆમ ધરપકડો થઈ રહી છે, જેનો વિરોધ કરી રહેલા હિન્દુઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ વધુ કફોડી બની શકે છે તેવું એજન્સીઓના ગુપ્ત રિપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં દાવો કરાયો છે કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદી સંગઠનો સક્રિય થઇ ગયા છે, જમાત-અલ-મુજાહિદીનની બાંગ્લાદેશ કેડર હાલ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસાઓ ભડકાવી રહી છે. આગામી દિવસોમાં હિન્દુઓ પર જાહેરમાં રસ્તા પર, તેમના ઘરોમાં કે જેલમાં હુમલા થઇ શકે છે.
ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના સુત્રોએ પોતાના રિપોર્ટના આધારે જણાવ્યું છે કે જમાત સક્રિય થઈ ગઈ છે, તે હિન્દુઓના ધાર્મિક સ્થળો પર હુમલા કરાવશે સાથે જ તે હિન્દુઓને ઘરોમાં તેમજ જેલમાં પણ બાનમાં લઈ શકે છે અને હુમલા કરાવી શકે છે. જેને પગલે હિન્દુઓ હાલ પોલીસ સુરક્ષા વચ્ચે પણ ભયના માહોલમાં છે.
બાંગ્લાદેશમાં ગયા મંગળવારની રાતથી લઘુમતીઓના અનેક ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક વચગાળાની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ નિવડી છે ત્યારે જમાતને ખુલ્લેઆમ છૂટ આપી હોય તેમ હિન્દુઓના ઘરોને નિશાન બનાવાઈ રહ્યા છે.
શેખ હસીનાને બળવો કરીને કાઢી મુકાયા બાદ સત્તા પર બેઠેલા મોહમ્મદ યુનુસ અને કટ્ટરવાદીઓની હવે હસીના સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા હસન મોહમ્મદ દ્વારા ટીકા કરવામાં આવી છે.