ચટગાંવ: બાંગ્લાદેશના ચટગાંવમાં ભીષણ દુર્ઘટના બની હતી. સીતાકુંડું ઉપજિલ્લામાં એક ખાનગી શિપિંગ ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD)માં વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા 49 લોકો દાઝીને ભડથું થઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જેને કારણે 450થી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમાં 300થી વધુ લોકને ગંભીર ઈજા થઈ છે.
અત્યાર સુધીમાં 49 મૃતદેહો હાથ લાગ્યા હતા. બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ લોકોનાં કરુણ મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યા હતા. આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવા સમિતિ રચી હતી અને ત્રણ દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ આપ્યો હતો. આગને ઓલાવવા માટે 19 જેટલા ફાયર ફાઈટર કામે લગાડવામાં આવ્યા હતા. 6થી વધુ એમ્બ્લ્યુલન્સ તહેનાત કરાઈ હતી. ફાયર બ્રિગેડનાં 7 કર્મચારીઓનાં પણ આગને કારણે મોત થયા હતા. જેમાં એકની ઓળખ કુમારી સ્ટેશન અધિકારી તરીકે થઈ હતી. 15 ફાયર ફાયટર્સ ઘવાયા હતા. જ્યારે ૪ ફાયર ફાયટર્સ લાપતા થયા હતા.
રસાયણો ભરેલાં કન્ટેનરમાં વિસ્ફોટ
ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ પોલીસ ચોકીનાં ASI અલાઉદ્દીન તાલુકાદારે કહ્યું હતું કે, સવારે 10.15 સુધીમાં આ હોનારતમાં 49 લોકોનાં મોત થયાહતા. ડીપોમાં આગ લાગી તે પછી ફાયર બ્રિગેડ તેમજ પોલીસો અને બચાવકર્મીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે રસાયણો ભરેલાં કન્ટેનરમાં વિસ્ફોટ થયોહતો. જેમાં ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓનાં મોત થયા હતા.