ઢાકાઃ બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં રવિવારથી હજારો વિદ્યાર્થીઓ સડકો પર ઊતરી પડ્યા હતા. ઢાકા યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણોમાં ટિયરગેસના સેલ અને રબ્બર બુલેટને કારણે ૧૦૦થી વધુ વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી. વિદ્યાર્થીઓનાં આ પ્રચંડ આંદોલનને પગલે બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં અનામત પ્રથા ન ઇચ્છતા હોવાથી તે રદ થશે.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં વિકલાંગ, મહિલાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારો અને લઘુમતી સમુદાયોને અનામત આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ તમામ અનામત રદ કરવાની માગ કરી રહ્યા હતા. બાંગ્લાદેશ મુલકી સેવા પરીક્ષાઓમાં ૫૬ ટકા બેઠકો અનામત છે. સમસ્યા એ છે કે આ અનામત પૈકી ૩૦ ટકા બેઠક ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના લડવૈયાઓનાં બાળકો અને પૌત્રો માટે અનામત છે, તેને પરિણામે ૨ ટકા વસતી ૫૬ ટકા બેઠકો માટે સ્પર્ધામાં ઊતરે છે જ્યારે ૯૮ ટકા વસતી ૪૪ ટકા બેઠક માટે સ્પર્ધામાં ઊતરે છે.
બાંગ્લાદેશમાં આ ચૂંટણી વર્ષ પણ છે. તેથી વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકાર ઝૂકી હોવાનું કહેવાય છે. જોકે સરકાર વિકલાંગો અને પછાત લઘુમતી સમુદાયનાં લોકો માટે નોકરીઓની અલગ વ્યવસ્થા કરશે.
હિંસાનું કારણ
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે દેખાવ શાંતિપૂર્ણ હતા, પણ ઉપકુલપતિના ઘરે વિદ્યાર્થીઓ દેખાવ કરતા હતા ત્યારે ચટ્રો લીગના કાર્યકરો અને પોલીસે વિદ્યાર્થીઓ પર અશ્રુવાયુ, રબરબુલેટ અને હોકી સ્ટીકથી હુમલો કરતાં વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી અને તે પછી સુફિઆ કમાલ હોલની વિદ્યાર્થિનીઓ વિરોધમાં જોડાતાં નિશાન બનવા લાગી અને દેખાવે હિંસક સ્વરૂપ લીધું હતું.
તમામ પરીક્ષા રદ
આંદોલનના કારણે દેશની યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ રદ કરી દેવાઇ હતી. આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બંગભવન પ્રેસિડેન્શિયલ પેલેસ અને વડા પ્રધાન કચેરી સહિતની સરકારી વેબસાઇટો પણ હેક કરી લેવામાં આવી હતી.
સરકારી વેબસાઇટો પર અનામત દૂર કરવાની માગ કરતાં પેજીસ અપલોડ કરી દેવાયાં હતાં. વિદ્યાર્થીઓએ ઢાકામાં સડકો પર ચક્કાજામ સર્જી દીધો હતો. દેશનાં અન્ય શહેરો ચિત્તાગોંગ, ખુલના, બારિસાલ, કુશ્તિયા, કોમિલ્લા અને માયમેનસિંહમાં હજારો વિદ્યાર્થીઓએ સડકો પર ઊતરી દેખાવો કર્યા હતા. આ આંદોલનમાં દેશની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓના હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા.