નવી દિલ્હીઃ બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસર નિમિત્તે ઢાકાના મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. આ ભેટ એટલા માટે મહત્ત્વની છે કે બાંગ્લાદેશ ઈસ્લામ બહુમતી ધરાવતો દેશ છે અને ત્યાં હિંદુઓ લઘુમતીમાં છે. આમ લઘુમતીઓના અધિકારના હિમાયતી તરીકે પોતાની ઈમેજ મજબૂત કરવા વડાં પ્રધાને હિંદુ મંદિરને જમીન ભેટ આપી છે.
શેખ હસીનાએ સૌથી મોટા મંદિર ઢાકેશ્વરીની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરને લગભગ બાંગ્લાદેશના ચલણ મુજબ ૫૦ કરોડ ટાકા (આશરે રૂ. ૪૩ કરોડ)ની કિંમતી જમીન આપવાની જાહેરાત કરી છે. હસીનાના આ નિર્ણયથી ૬૦ વર્ષ જૂની માગ પૂરી થઈ છે. એનાથી ઢાકાની પુરાણી પરંપરાને સામે લાવવાનો અવસર મળશે. ઢાકાનું નામ પણ ઢાકેશ્વરી દેવીના નામ પરથી અપાયું છે. ભારતમાં મુસ્લિમ લઘુમતીમાં છે. એ રીતે બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીમાં છે. સત્તાધારી આવામી લીગની સ્થાપના સમયથી જ હિંદુઓનું સમર્થન આ પાર્ટીની છે.
બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ડિસેમ્બરમાં છે. છેલ્લા કેટલાક સમયથી ઢાકેશ્વરી માતાના મંદિરની જમીન પર કબજો હતો, પરંતુ તાજેતરમાં વડાં પ્રધાન હસીનાના નિર્દેશમાં સરકારે એક એગ્રીમેન્ટની મધ્યસ્થતા કરી અને
જમીન મંદિરને સોંપવાનો નિર્ણય કર્યો છે.
બાંગ્લાદેશ સરકારે કહ્યું કે, એમાં કોઈ બેમત નથી કે આવામી લીગના કાર્યકાળમાં બાંગ્લાદેશે સતત આર્થિક વિકાસ કર્યો છે અને સ્થાયિત્વનો અનુભવ પણ કર્યો છે. છેલ્લા એક દાયકાથી એમાં કમી અનુભવાતી હતી. તેમણે વધુમાં ઉમેર્યં કે, આ પ્રગતિ અને સ્થાયિત્વનું જ પરિણામ છે કે સુરક્ષા વ્યવસ્થા શ્રેષ્ઠત્તમ છે.