ઢાકા: બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે રવિવારે ૧૧મી સંસદીય ચૂંટણીમાં સતત ત્રીજીવાર શાનદાર વિજય મેળવ્યો છે. હસીનાની પાર્ટીએ ૩૦૦માંથી ૨૬૭ સીટો પર જીત મેળવી હતી. જ્યારે અવામી લીગની સહયોગી જાતીયા પાર્ટીને ૨૧ સીટો મળી હતી. મુખ્ય વિપક્ષી દળ નેશનલ યુનિટી ફ્રન્ટ અને તેના સહયોગી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ફક્ત ૭ સીટો પર સમેટાઈ ગઈ હતી. વિપક્ષી ગઠબંધને નવેસરથી ચૂંટણી કરાવવાની માગણી કરી છે. અગાઉ મતદાન દરમિયાન દેશના અનેક ભાગોમાં ચૂંટણી હિંસામાં ૧૭ લોકો માર્યા ગયા હતા. જીડીબીસી ટીવીએ ૩૦૦માંથી ૨૯૯ સીટોનાં પરિણામ બતાવ્યાં. બે અપક્ષ પણ જીતી ગયા છે. ઉમેદવારના મોતને લીધે એક સીટ પર ચૂંટણી સ્થગિત કરાઈ હતી. દક્ષિણ પશ્ચિમ ગોપાલગંજ સીટથી વડા પ્રધાન શેખ હસીનાએ બે લાખ ૨૯ હજાર ૫૩૯ વોટથી જીત મેળવી છે.