ઢાકાઃ બાંગ્લાદેશમાં ફરી હિંદુ સમુદાયને નિશાન બનાવાયો છે. નરાઇલના લોહાગરા વિસ્તારમાં હિંદુઓના ઘર પર હુમલો કરીને એક ઘરને આગ પણ ચાંપી દેવાઇ હતી. કહેવાય છે કે, ટોળાએ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. આ લોકો હિંદુ યુવક દ્વારા પયગમ્બરનું કથિત અપમાન કરતી ફેસબુક પોસ્ટથી નારાજ હતા. ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કરી દીધો હતો. ફેસબુક પોસ્ટ મૂકનારા યુવકના ઘરમાં ઘૂસીને ટોળાએ આગ ચાંપી હતી. હિંસાના વીડિયો પણ વાઈરલ થયા છે. હુમલાખોરોએ ઢળતી સાંજે હિંદુઓના ઘર પર હુમલો કર્યો હતો. દિધોલિયા ગામે અનેક હિંદુના ઘરમાં તોડફોડ કરાઇ હતી.
2013થી 2021 સુધીમાં હિંદુઓ પર 3600 હુમલા
કેટલાક મહિના પહેલા રાજધાની ઢાકામાં ઇસ્કોન મંદિર પર 200 કટ્ટરપંથીઓએ હુમલો કરી મંદિરમાં તોડફોડ કરી હતી. બાંગ્લાદેશ માનવ અધિકાર સંગઠનના અહેવાલ મુજબ વર્ષ 2013થી 2021 દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાન બનાવીને 3600 હુમલા થયા હતા. આઠ વર્ષો દરમિયાન હિંદુઓ પર થયેલા હુમલામાં 550થી વધુ ઘર અને 440 દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી.