ઢાકાઃ બાંગ્લાદેશમાં બ્રાહ્મણ બારહિઆ જિલ્લામાં પાંચમીએ વહેલી સવારે તોફાનીઓએ લગભગ છ જેટલા હિન્દુઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. ફેસબુક પર મુસ્લિમ ધર્મ અંગે આપત્તિજનક ટિપ્પણી મુકાયા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમજ તેમની મિલકતો પર હુમલા વધી ગયા છે. જિલ્લાના નસીરનગર વિસ્તારમાં અત્યાર સુધીમાં ૨૦ જેટલા હિન્દુઓના ઘર સળગાવી દેવાયા છે. જ્યારે ૧૫ જેટલા મંદિરોને નુકસાન પહોંચાડાયું છે.
મકાનો તેમજ મંદિરને નુકસાન પહોંચાડીને તોફાનીઓ નાસી છૂટયા હતા. ઘણા હિન્દુ પરિવારોએ આ હુમલાઓ બાદ આ વિસ્તારના પોતાના ઘર છોડી દઈને અન્ય વિસ્તારોમાં આશ્રય મેળવ્યો છે. જ્યારે હિન્દુઓ પર થતા હુમલાનો વિરોધ કરવા અને જવાબદારો સામે પગલાં ભરવા માટે પાટનગર ઢાકામાં સેંકડો હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્ય ઢાકાના શાહબાગ ચોકમાં સેંકડો હિન્દુ યુવાનોએ તેમના મુસ્લિમ મિત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આમ મુસ્લિમો પણ હિન્દુઓ સાથે વિરોધમાં જોડાયા હતા. પોલીસે બુધવાર સુધીમાં તપાસમાં ૫૩ જણાની ધરપકડ કરી છે.