નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યુનાઇટેડ નેશન્સને ઘેર્યું હતું અને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓના ખાતમા માટે જ તેમના પર અત્યાચારો થઇ રહ્યા છે અને આ એક પૂર્વાયોજિત કાવતરૂં છે, જે મુદ્દે યુનાઇટેડ નેશન્સ મૌન છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંસાને પગલે આસામમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે હિંસાની અસર ત્રિપુરામાં પણ જોવા મળી છે. ત્રિપુરામાં હિંસા ફાટી નીકળી હતી આવી જ કોમી હિંસા આસામમાં ન ફાટી નીકળે તે હેતુથી ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં એક ઠરાવ પણ પસાર કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતા સંઘના જોઇન્ટ સેક્રેટરી અરૂણ કુમારે કહ્યું હતું કે હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર મુદ્દે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરકારની સાથે વાતચીત કરવી જોઇએ. અને આ હુમલાઓને અટકાવવા જોઇએ.