ઢાકાઃ શેખ હસીના સરકારના તખતાપલટ બાદ હિન્દુ સમુદાય અને મંદિરોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલા મામલે ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં વચગાળાની સરકારે બાંગ્લાદેશી હિન્દુ સમુદાયનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ માફી માગી છે. નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અને વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આજે - મંગળવારે સુપ્રસિદ્ધ ઢાકેશ્વરી મંદિરે પહોંચ્યા હતા અને હિન્દુ સમુદાયના ઊંડા જખ્મો પર સાંત્વનાનો મલમ લગાવવા પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે - સોમવારે નવરચિત સરકારમાં ગૃહ મંત્રાલય સંભાળતા બ્રિગેડિયર જનરલ (નિવૃત) સખાવત હુસૈને બે હાથ જોડીને હિન્દુઓની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે બહુમતી સમુદાય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ઢાકેશ્વરી મંદિરે પહોંચેલા મોહમ્મદ યુનુસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો ત્યારે જ મેં કહ્યું હતું કે અમે એક એવો બાંગ્લાદેશ બનાવવા માગીએ છીએ જે એક પરિવાર હોય. અહીં પરિવારો વચ્ચે ભેદભાવ કરવાનો સવાલ જ ઉઠતો નથી. આપણે બાંગ્લાદેશના છીએ, બાંગ્લાદેશી છીએ.’ તેમણે કહ્યું હતું કે આપણી બધી સમસ્યાઓનું કારણ સંસ્થાગત વ્યવસ્થાતંત્ર છે, જે સડી ગયું છે. જો ન્યાય હશે તો કોને ન્યાય નહીં મળે? આપણે લોકતાંત્રિક અધિકારો અને અભિવ્યક્તિની આઝાદી સ્થાપવી પડશે. આપણે માનવાધિકારોની સ્થાપના કરવાની છે, આ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.’
મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતાં લોકોને સંયમ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સમયે સહુ કોઇની મદદની જરૂર છે. તમે સંયમ જાળવ્યો છે. તે અમને બહુ મદદરૂપ થઇ રહ્યું છે. મેં શું કર્યું અને શું ન કર્યું તે મુદ્દે પછી વિચારજો, જો મેં કહ્યું ના કર્યું હોય તો બાદમાં દોષ આપજો. હમણાં નહીં.’
આ પૂર્વે ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા બ્રિગેડિયર જનરલ (નિવૃત) સખાવત હુસૈને કહ્યું હતું કે લઘુમતીઓને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી બહુમતીની છે. પરંતુ તેઓ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તમે મસ્જિદમાં જઇને પાંચ વખત નમાજ પઢો છો, પરંતુ લઘુમતીઓને રક્ષણ નથી આપી શક્યા. લઘુમતીઓને રક્ષણ આપવું એ તમારી જવાબદારી છે. તમે નિષ્ફળ રહ્યા છો. આનો જવાબ આપવો પડશે.’
ઢાકાની યુવા એકતા પરિષદના જનરલ સેક્રેટરી વિષ્ણુ સૂરે મોહમ્મદ યુનુસની મંદિર મુલાકાત બાદ કહ્યું હતું કે વચગાળાની સરકારે ખાતરી આપી છે કે તેઓ અમારી સાથે છે. વિષ્ણુ સૂરે કહ્યું હતું, ‘જૂઓ એ તો તમે બધા જાણો છો કે ઢાકેશ્વરી મંદિર દેશનું રાષ્ટ્રીય મંદિર છે. તેમણે અમને એ વિશ્વાસ અપાવ્યો છે કે સમગ્ર દેશમાં જે હિંસા થઇ છે તેના મૂળમાં રહેલું સત્ય શોધી કાઢવામાં આવશે. આ સાથે જ તેમણે એ વાતનો ભરોસો પણ અપાવ્યો છે કે વચગાળાની સરકાર અમારી સાથે છે અને અમે જ્યારે ઇચ્છીએ ત્યારે તેમને બોલાવી શકીએ છીએ. બાંગ્લાદેશમાં જે કંઇ થયું છે તેના પર વિશ્વાસ થઇ શકતો નથી.
સૂરે વધુમાં કહ્યું હતું કે 1971 પછીથી જ એવું બની રહ્યું છે કે દેશમાં જ્યારે પણ સત્તા પરિવર્તન થાય છે ત્યારે સૌથી પહેલાં અમારા પર જ હુમલા થાય છે. બધા રાજકીય પક્ષો અમારા પર ગુસ્સો ઉતારે છે. અમારી સાથે આવું કેમ થાય છે તે સમજાતું નથી. બધા પક્ષો કહે છે કે અમે તમારી સાથે છીએ, પરંતુ આજ સુધી અમારી સાથે આચરાયેલા કોઇ પણ ગુના અંગે ગંભીરતાથી વિચારણા કરાઇ નથી.
વિષ્ણુ સૂરે કહ્યું હતું કે મંદિરો સળગે છે, દેવળો સળગે છે, હિન્દુઓની દુકાનો ભડકે બળે છે, છોકરીઓના અપહરણો થાય છે, પરંતુ આ બધા ગુનાઓ માટે કોઇને પણ સજા થતી નથી. અમને સજા ના આપો, અમે બધા બાંગ્લાદેશી છીએ, આ દેશ અમારો છે. બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિષ્ટ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિનો દાવો છે કે શેખ હસીના સરકારના પતન પછી 52 જિલ્લામાં લઘુમતીઓ પર હુમલાની 205 ઘટનાઓ બની છે.