ઢાકાઃ માનવાધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નેવીએ ૨૯મી ડિસેમ્બરે ૧૭૭૬ રોહિંગ્યા શરણાર્થીઓને ‘એકાંત’ દ્વીપ પર મોકલી આપ્યા છે. શરણાર્થીઓને ચટગાવ બંદરેથી પાંચ જહાજમાં દ્વીપ પર લઇ જવાયા હતા. આ પ્રવાસમાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. તેને લઇને માનવાધિકાર સંગઠનોનો આરોપ છે કે શરણાર્થીઓ પર દબાણ કરાયું હતું. માનવાધિકાર સંગઠનોનો એવો પણ આરોપ છે કે, બાંગ્લાદેશ રોહિંગ્યાઓને આઇલેન્ડ પર કેદ કરવા ઇચ્છે છે. જોકે, વડા પ્રધાન કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે સરકાર ત્યાં ફક્ત ૭૦૦ રોહિંગ્યાને મોકલવા ઇચ્છતી હતી, પરંતુ ૧૫૦૦ લોકો સ્વેચ્છાએ ત્યાં જવા તૈયાર થયા હતા એટલે ફક્ત એ જ લોકોને મોકલવામાં આવ્યા છે જે ખરેખર દ્વીપ પર રહેવા માગે છે.