લંડનઃ યુરોપિયન દેશ લાટિવિયાની કંપની ઝેલ્ટીનીએ શોધેલું નવું વાહન યુરોપમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. ઝેલ્ટીનીએ આ વાહનને ઝેડ-ટ્રાઈટન નામ આપ્યું છે અને આ વાહન બાઈક અને બોટની સંયુક્ત હાઈબ્રીડ આવૃત્તિ છે. અત્યારે ઝેડ-ટ્રાઈટનનું પ્રિ-લોન્ચિંગ સેલ અને બુકિંગ ચાલી રહ્યું છે. 16,295 યુએસ ડોલરની કિંમતનું આ વાહન રસ્તા પર 15 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને એક નાની બોટ તરીકેની બધી સગવડો ધરાવે છે અને તેમાં બે વ્યક્તિ સૂઈ પણ શકે છે. વિશ્વભરમાં ઉભરી રહેલા રિન્યુએબલ એનર્જીથી ચાલતા વાહનોના ટ્રેન્ડને ધ્યાનમાં રાખી આ વાહન ઈલેક્ટ્રિક બેટરી સંચાલિત બનાવાયું છે જેને ઈલેક્ટ્રિક પ્લગથી ચાર્જ કરી શકાય છે અને બોટને સૌર ઊર્જાથી ચાર્જ કરી શકાય તે માટે તેના પર સોલાર પેનલ પણ મૂકાઈ છે. ગત 2020માં ઝેલ્ટીની કંપનીએ ઝેડ-ટ્રાઈટનનો પ્રોટોટાઈપ લોન્ચ કર્યો હતો ત્યારબાદ આ વાહનને દુર્ગમ વિસ્તારોમાં કેમ્પિંગ માટે વાપરી શકાય તે માટે સ્વિસ આલ્પ્સ સહિતના વિવિધ ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં તેનું ટેસ્ટિંગ કરાયું હતું. થોડાં સમયમાં યુરોપના બજારમાં વેચવા માટે મૂકવામાં આવશે અને 2023માં અમેરિકામાં તેનું વેચાણ શરૂ થશે.