વેવે (સ્વિટ્ઝર્લેન્ડ)ઃ જરા કહો તો તમારા ઘરની ચાર દિવાલ વચ્ચે સોય-દોરાથી માંડીને વોશિંગમશીન અને ટાંકણીથી માંડીને વેક્યુમ ક્લીનર સહિતની કુલ કેટલી ચીજવસ્તુઓ સચવાયેલી કે સંગ્રહાયેલી હશે? 200, 500, 900, 1500, 5000... ગોથે ચઢી ગયાને?! પણ તમે આ જ પ્રશ્ન બાર્બરા ઈવિન્સને પૂછશો તો તે પટ કરતાં જવાબ આપશે - નાનીમોટી બધી મળીને કુલ 12,795 ચીજવસ્તુ...
આપણા ઘરમાં કેટલી ચીજવસ્તુઓ સંગ્રહાયેલી હોય છે તેનો ભાગ્યે જ કોઇને અંદાજ હશે. અને તેમાંથી કેટલી કામની અને કેટલી નકામી છે તેની પણ જાણ હોતી નથી, છતાં આપણે વર્ષોના વર્ષો સુધી ઘરમાં ભરી રાખીએ છીએ. બેલ્જિયન મહિલા ફોટોગ્રાફર બાર્બરા ઈવિન્સને પણ આ વાતનું ભાન અનાયાસે જ થયું છે. તેણે ઘરમાં પોતાની માલિકીની નાનીમોટી, લાંબીટૂંકી, ગોળચોરસ, દરેક ચીજવસ્તુના ફોટા પાડ્યા છે. તેણે પાડેલા ફોટોગ્રાફ્સની સંખ્યા 12,795 થાય છે, મતલબ કે તેના ઘરમાં આટલી ચીજવસ્તુઓ છે. આમાં તેને ચાર વર્ષનો સમય લાગ્યો છે. આટલી જહેમત પછી, તેને સમજાયું છે કે આમાંથી લગભગ 99 ટકા ચીજવસ્તુઓ વિના રહી શકાય તેમ હતું. બાર્બરાએ હવે આ ફોટોગ્રાફ્સ ઈટાલીના રેનેસાં પ્રાંત ટસ્કની ખાતે કોર્ટોના ઓન ધ મૂવ ફોટોગ્રાફી ફેસ્ટિવલમાં પ્રદર્શિત કર્યા છે.
હવે મૂળ સવાલ એ થાય કે આ વસ્તુઓના ફોટા લેવાની તેને જરૂર શી પડી? વાત એમ છે કે બાર્બરાના ડાયવોર્સ થયા અને 11મી વખત ઘર બદલવાનું થયું ત્યારે વારંવાર પેકિંગ કરવાથી ત્રાસેલી બાર્બરાએ તેની પાસે કેટલી ચીજવસ્તુ છે તે જાણવા તેના ફોટો લેવાનો નિર્ણય કર્યો.
તેણે દરેક રૂમ અને ડ્રોઅર્સમાં મૂકાયેલી વસ્તુઓના ફોટો લીધા. કોઈ પણ વસ્તુ બાકી ન રાખી તે કે કશાંનો છોછ નહોતો રાખ્યો. ઘણી વસ્તુ બાળપણની અંગત યાદગીરીની હતી, વિવિધ મોંઘી બ્રાન્ડ્સના નવાં-જૂનાં વસ્ત્રો પણ હતાં. સેફ્ટી પીન્સથી માંડી સેક્સ ટોઈઝ અને કોન્ડોમ્સ, સ્ક્રૂ-હુક્સથી માંડી ટોઈલેટ રોલ્સ, મોજાંથી માંડી પેન્ટ્સ અને શર્ટ્સ, ઘરનાં વાસણ, રમકડાં, પુસ્તકો, એન્ટિડીપ્રેસન્ટ્સ સહિત દવાઓ પણ સામેલ હતી.
ઘરમાં આટલી બધી વસ્તુઓ હોય ત્યારે એમ લાગે કે બાર્બરાને આડેધડ ખરીદીની આદત હશે પરંતુ, આવું નથી. બાર્બરા કહે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિની માફક જ તે ખરીદી કરે છે. છતાં, જૂઓ આજે ઘરમાં કેટલી ચીજવસ્તુઓ છે.
પુરાણી વસ્તુઓ અને ખાસ કરીને વસ્ત્રોનો સંગ્રહ કરવાનું તેને ગમે છે. પોતાની પાસે કેટલી ચીજવસ્તુ છે તેમ જાણવાની અદમ્ય ઈચ્છા ઉપરાંત, બાર્બરા પોતાના આ પ્રોજેક્ટને સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ પોતે શું જમે છે, પહેરે છે કે ખરીદે છે તેની આદર્શ જીવનશૈલીના પિક્ચર્સ પોસ્ટ કરતા રહે છે તેનો સામનો કરવા કરવા સમાન ગણાવે છે.