બર્લિનઃ બાર્બી ડોલના સમગ્ર વિશ્વમાં લાખો -કરોડો ચાહકો છે. આમાંથી કેટલાક અનોખા ચાહકો પણ છે, જે બાર્બી સંબંધિત ચીજવસ્તુઓ એકત્રિત કરતાં રહે છે. જોકે જર્મનીની બેટિના ડાર્કમેનની વાત અલગ છે. 62 વર્ષીય બેટિનાની પાસે 18,500 કરતાં વધારે બાર્બી ડોલ્સનું લાજવાબ કલેક્શન છે. તેમના કલેક્શનને બાર્બીના સૌથી મોટા કલેક્શન તરીકે ગણવામાં આવે છે.
વાત 1966ની છે, બેટિના જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે પ્રથમ બાર્બી ડોલની ખરીદી કરી હતી. બસ ત્યારથી તેમના સંગ્રહમાં નીતનવી બાર્બીનો ઉમેરો થયો રહ્યો છે. તેમના વિશાળ કલેક્શનમાં બાર્બીની કેટલીક અસામાન્ય ડોલ્સ પણ છે. જે પૈકી એક 1959માં બનેલી ઓરિજિનલ બાર્બી ડોલ પણ સામેલ છે.
આ ડોલ્સ ઉપરાંત બેટિનાએ બાર્બી ૫૨ પુસ્તકો પણ લખ્યા છે. બાર્બી ડોલ્સના કલેક્શન અને તેના સંબંધમાં માહિતી હોવાથી તેમને ‘બાર્બી ડોક્ટર’ તરીકે પણ લોકો ઓળખાવે છે. બેટિના એક ડોલ હોસ્પિટલનું સંચાલન પણ કરે છે. ‘બાર્બી’ મુવીને જ્વલંત સફળતા મળ્યા બાદ તેઓ પોતાના આ કલેક્શનને વધુ વધારવા ઇચ્છુક છે.