નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા ૪૦ ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦નો સમય માત્ર સાત જ લોકો જાણતા હોવાનું એક અહેવાલમાં બહાર આવ્યું છે. ભારતીય વાયુસેનાએ આ ફુલપ્રુફ ઓપરેશનમાં પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને બાલાકોટ-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ અને ૩૫૦ આતંકીઓનો સફાયો કરી નાખ્યો હતો.
પુલવામા એટેકના ૧૨ દિવસ પછી મંગળવારે - ૨૬ ફેબ્રુઆરીએ સવારે ૩.૪૦થી સવારે ૩.૫૩ વાગ્યા સુધી ચાલેલી આ સર્જિકલ સ્ટ્રાઇકમાં મિરાજ-૨૦૦૦ વિમાનો સાથે વાયુસેનાની ટાઈગર સ્ક્વોડ્રન તેમાં જોડાઇ હતી. જેમાં ચાર મિરાજ-૨૦૦૦ ફાઈટર વિમાનો ક્રિસ્ટલ મેઝ મિસાઈલ્સ અથવા તો સ્પાઈસ-૨૦૦૦ સ્માર્ટ બોમ્બથી સજ્જ હતા. આ વિમાનોએ પાકિસ્તાનના માનસેરાના બાલાકોટમાં સ્થિત મારકાઝ સૈયદ અહમદ શહીદ તાલીમ કેમ્પ પર હુમલો કર્યો હતો. ગુપ્તચર માહિતી અનુસાર, હુમલા સમયે આ કેમ્પમાં ૩૨૫ આતંકીઓ અને તેમને તાલીમ આપનારા લોકો હતા.
ભારતીય અધિકારીઓ પાસે જૈશના આતંકી કેમ્પના તસવીરી પુરાવાઓ પણ છે, પરંતુ સુરક્ષાના મામલે તે મીડિયામાં જાહેર કરવામાં આવ્યા નથી. વાયુસેનાએ જે ક્રિસ્ટલ મેઝ મિસાઈલ્સનો ઉપયોગ કર્યો તે ૧૦૦ કિમીની ત્રિજ્યામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને એ જ રીતે સ્પાઈસ ૨૦૦૦ સ્માર્ટ બોમ્બ પણ ગાઈડન્સ ટેકનોલોજી પર કામ કરે છે. ભારતીય વાયુસેનાની આ એર સ્ટ્રાઈક અંગેની તૈયારી અને સમય વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરાઈ હતી. એ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત દોવાલ, સેનાની ત્રણેય પાંખના વડા અને ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં બે વડાને આ વિશે જાણ કરાઈ હતી.
બાલાકોટમાં હુમલા પછી દોવાલે અમેરિકન એનએસએ જ્હોન બોલ્ટન સાથે ફોન પર વાત કરીને તેમને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપી હતી અને ભારતના પ્રિ-એમ્પિટિવ હુમલા અને આત્મરક્ષણના અધિકાર અંગે ચર્ચા કરી હતી. તેના થોડા કલાકોમાં, વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે મંગળવારે વાયુસેનાએ બાલકોટમાં કરેલો હુમલો નોન-મિલિટરી પ્રિ-એમ્પિટિવ હુમલો હતો. જેમાં મિલિટરી (આ કિસ્સામાં નાગરિકો) નિશાન નહોતી.
વાયુસેના દ્વારા તૈયાર કરાયેલા આ ઓપરેશનના પ્લાન અંગે વડા પ્રધાન મોદીને જાણ કરાઈ હતી. જેમણે સમગ્ર પ્લાનનો કયાસ મેળવ્યો હતો, ત્રણેય સેનાના વડાઓ, એનએસએ દોવાલ તથા ગુપ્તચર એજન્સીઓનાં વડા સાથે મસલત પણ કરી હતી અને આખરે તેમણે વાયુસેનાને બાલકોટ ખાતે એર સ્ટ્રાઈક કરવા માટે મંજૂરી આપી હતી.