નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના જવાબમાં ઇંડિયન એરફોર્સે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સ્પાઇસ ૨૦૦૦ નામના એડવાન્સ બોમ્બ ભારતે ઇઝરાયેલ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું છે.
કોઇ પણ ઇમારતને ધ્વસ્ત કરવા માટે આ બોમ્બને આયોજનબદ્ધ ટાર્ગેટ કરી શકાય છે. બોમ્બનું જુનું વર્ઝન ઇમારતને ભેદીને ઇમારતની અંદર વિસ્ફોટ કરવામાં સક્ષમ હતો. સ્પાઇસ ૨૦૦૦નો ઉપયોગ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહંમદના ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવતા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. સ્પાઇસ ૨૦૦૦ બોમ્બે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક દરમિયાન નિર્ધારિત લક્ષ્ય પર નિશાન સાધીને એક મીટર સુધી ખાડો બનાવ્યો. સરકારે દાવો કર્યો કે ત્યાં મોટા પાયે આતંકી છાવણીઓનો નાશ કરાયો છે.
આ ઉપરાંત ભારતીય વાયુસેના સુખોઈ-૩૦ ફાઇટર એરક્રાફ્ટને પણ પોતાના કાફલામાં સામેલ કરવા ઇચ્છે છે. જે સૈન્યની ક્ષમતામાં વધારો કરવાની સાથે સાથે દુશ્મન સાથે આકાશમાં લડવામાં જોરદાર મુકાબલો કરી શકશે.
સ્પાઇસ બોમ્બ એટલે શું?
SPICE શબ્દ સ્માર્ટ, પ્રિસાઇસ ઇમ્પેક્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ એમ ત્રણ શબ્દો પરથી બનેલો છે. ઇઝરાઇલે આ બોમ્બ વિકસાવ્યો છે. ૯૦૦ કિલોગ્રામના આ બોમ્બમાં આગળના ભાગમાં એમકે૮૪, બીએલયુ ૧૦૯ અને આરએપી ૨૦૦૦ સહિત કેટલાય પ્રકારના બોમ્બ હોય છે.