સિરિયામાં આતંકી સંગઠન આઇએસના આતંકથી સ્થાનિક નાગરિકો દેશ છોડવા મજબૂર થયા છે. આ વર્ષે જ લાખો લોકોએ અન્ય દેશો જેમ કે જર્મની, બ્રિટન, તુર્કી વગેરેમાં શરણ લીધી હતી. દરમિયાન કેટલાકની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના બાળકોને ભોજન મળી રહે તે માટે મજૂરી કરવા લાગ્યા. આ શરણાર્થીઓ પૈકી એક અબ્દુલ હાલીમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ. આ તસવીરમાં અબ્દુલ તેની પુત્રીને તેડીને બેઈરુટના રસ્તા પર આંખોમાં આંસુ સાથે પેન વેચી રહ્યો છે કે જેથી તેને થોડી આર્થિક મદદ મળે અને પુત્રીને ભોજન આપી શકે. આ તસવીરને પગલે અબ્દુલને વિશ્વભરમાંથી લોકોએ ઓનલાઈન નાણાકીય સહાય કરવાનું શરૂ કર્યું અને તેને લગભગ ૧૯૧,૦૦૦ ડોલરની મદદ મળી. આ મદદથી અબ્દુલની જિંદગી બદલાઈ ગઇ. અત્યારે અબ્દુલ પાસે ત્રણ નાના બિઝનેસ છે. તેણે કબાબ શોપ, રેસ્ટોરન્ટ ખોલ્યું છે. આતંકના ભય વચ્ચે પણ ૩૩ વર્ષીય અબ્દુલ તેની પુત્રી સાથે ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યો છે. હાલમાં ૧૬ સિરિયન શરણાર્થીઓને તે રોજગારી પણ આપી રહ્યો છે.
એક પત્રકારની પહેલ
ટ્વિટરની મદદથી એક પત્રકાર ગુસર સિમોનારસને અબ્દુલ માટે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી હતી. તેણે પહેલાં પોતાના પરિવાર પાસેથી ૫,૦૦૦ ડોલર એકઠા કરીને દાન કર્યા. એ પછી ટ્વિટર પર એક પેજ બનાવ્યું જેને નામ અપાયું બાય પેન. આ પેજને કારણે લોકોએ તેને ખોબલે ને ખોબલે ફંડ મોકલ્યું.
મદદ માગનાર અબ્દુલ હવે મદદગાર બન્યો
અબ્દુલે જણાવ્યું હતું કે, જે સહાય લોકોએ કરી છે તેનાથી મારું જ નહીં પણ મારા બાળકોનું જીવન પણ બદલાઇ ગયું. એટલું જ નહીં સિરિયાના કેટલાક નાગરિકોનું પણ જીવન બદલાઇ ગયું. અબ્દુલે પોતાને જે ફંડ મળ્યું તેમાંથી ૨૫,૦૦૦ ડોલરનું દાન સિરિયના શરણાર્થીઓને આપી દીધું. અબ્દુલની ૪ વર્ષની પુત્રી રીમ અને ૯ વર્ષનો પુત્ર અબ્દુલેલાહ હાલ શાળાએ જવા લાગ્યા છે.