આજે ઘણા લોકો બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા તલપાપડ છે, ત્યારે આજથી આઠ વર્ષ પહેલા ઓછામાં ઓછા એક ડોલરના બિટકોઈન ખરીદવા સલાહ આપનારી વ્યક્તિ આજે ધનના ઢગલામાં આળોટે છે. દવિન્સી જેરેમી નામનો આ શખસ મૂળ ચીલી નામના લેટિન અમેરિકન દેશનો વતની છે. મે ૨૦૧૩માં યૂટ્યૂબ પર મૂકેલા વીડિયોમાં તેણે સબસ્ક્રાઈબર્સને સલાહ આપી હતી કે તેઓ ઓછામાં ઓછું એક ડોલરનું રોકાણ બિટકોઈન ખરીદવામાં અવશ્ય કરે. તે વખતે તેની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું, પરંતુ આજે દવિન્સીએ કરેલી આગાહી જાણે શબ્દશ: સાચી પડી છે. દવિન્સી જે પ્રકારે ઠાઠભરી જિંદગી જીવે છે તેના ફોટોગ્રાફ્સ પણ ઈન્સ્ટાગ્રામ પર મૂકતો રહે છે. હાલ તે પ્રાઈવેટ પ્લેન્સ, બીચ અને યોટ પર જલસા કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ફેમિલી મેન, પ્રોગ્રામર, યૂટ્યૂબર અને બિટકોઈનમાં શરૂઆતના તબક્કામાં રોકાણ કરનારા તરીકે આપનારા દવિન્સીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે તે પોતાનો બોસ બનીને જીવી રહ્યો છે. હાલ તે જે પણ ઠાઠ ભોગવે છે તે તેણે આજથી વર્ષો પહેલા બિટકોઈનમાં કરેલા રોકાણને આભારી છે. ૨૦૧૩માં દવિન્સીએ જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેની સાથે તેણે લખ્યું હતું કે એક લોટરી ટિકિટના ભાવમાં તમે બિટકોઈન ખરીદી શકો છો. તેને ૧૦ વર્ષ માટે પણ ખરીદીને તમારી પાસે રાખશો તો લાખોપતિ બની જશો. જરાય ડર્યા વિના બિટકોઈનમાં રોકાણ કરો. વધુમાં વધુ તમને એક ડોલરનું નુક્સાન થશે, તેનાથી વિશેષ કંઈ નહીં થાય. જો તમે મને દસ વર્ષ બાદ આવીને એમ કહેશો કે મારી સલાહ અનુસાર બિટકોઈન ખરીદી તમે પણ કમાયા છો તો મને આનંદ થશે, જો કોઈ એમ કહેશે કે તેણે મારી વાત સાંભળી હોત તો સારું થાત તો તે મારા માટે પણ દુ:ખદ હશે. ૧૮ મેના રોજ પણ દવિન્સીએ ટ્વીટ કર્યું હતુંઃ હજુય બિટકોઈનમાં રોકાણની તક છે. લાંબા ગાળાનું રોકાણ કરી ને રિટાયર્મેન્ટ સુધી ભૂલી જાઓ.
હાલમાં જ બિટકોઈનમાં આવેલા કડાકા અંગે દવિન્સી જેવા એક્સપર્ટ માને છે કે સ્થિતિ ઝડપથી સામાન્ય બનશે. તેમનું કહેવું છે કે જે લોકો રોકાણ કરીને બેઠા છે તેમણે ગભરાવાની જરૂર નથી. સૌ જાણે છે કે ક્રિપ્ટો કરન્સીમાં મોટી ઉથલપાથલ આવતી હોય છે.